શહેરનાં સલાબતપુરામાં આંજણા ફાર્મ પાસે ખુલ્લી જમીન પર પતરાંના શેડ બનાવીને ભાડે આપનાર વેપારી વિરૂદ્ધ કોર્પોરેશનમાં અરજી કરીને ધંધો કરવો હોય તો 10 લાખ રૂપિયાની ખંડણી માંગનાર કોંગ્રેસી નેતા સહિત બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.
આજે સવારે વેપારી પાસે 50 હજાર રૂપિયા લેવા પહોંચેલા કોંગ્રેસી નેતા નુરૂ શકુરભાઈ શેખ અને ઉમરવાડામાં રહેતા સાદીક અલી અબ્બાસ અલી પઠાણની પોલીસે હાલમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી કથિત તોડબાજ પત્રકારો અને પૂર્વ કોર્પોરેટરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. ખાસ કરીને ઉધના, લિંબાયત અને સેન્ટ્રલ ઝોન સહિતનાં વિસ્તારોમાં મનપામાં અરજી કરીને ગેરકાયદેસર બાંધકામ તોડાવવાની ધમકી આપી લાખ્ખો રૂપિયાનો તોડ કરનારી ટોળકીઓ વિરૂદ્ધ પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ દરમિયાન સલાબતપુરામાં ચિમની ટેકરા ખાતે રહેતા ૩૫ વર્ષીય કારૂક શઠીયુદીન રોખે આંજણા ફાર્મ ખાતે એચટીસી – 2 ટેક્સટાઈલ માર્કેટની ભાજુમાં ખુલ્લી જમીન પર પતરાંના શેડ બનાવી ગોડાઉન ભાડે આપ્યા હતા. જો કે, સુરત શહેર કોંગ્રેસ યુવા પ્રમુખ નુરૂ શેખ દ્વારા મનપામાં આ સંદર્ભે અરજી કરીને ગોડાઉન તોડાવ્યા બાદ ફારૂખ શેખને જો ધંધો કરવો હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી.
છેલ્લાં 15-20 દિવસથી નુરૂ શેખની ધમકી અને જબરજસ્તી ઉઘરાણીને પગલે વેપારીએ અંતે કંટાળીને 50 હજાર રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો. બીજી તરફ વેપારી દ્વારા સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા પણ આરોપીઓને રંગે હાથ ઝડપી પાડવા માટેની ટ્રેપ બિછાવી હતી. જેના ભાગરૂપે આજે સવારે ઉમરવાડા ખાતે રહેતો નુરૂ શેખ અને તેનો સાથીદાર સાદીક અલી પઠાણ 50 હજાર રૂપિયા લેવા માટે ફારૂખ શેખ પાસે પહોંચ્યા હતા.
જો કે, રૂપિયા લેવા જતાં જ એલસીબી પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. શહેર કોંગ્રેસ યુવા પ્રમુખ નુરૂ શેખની ધરપકડની ચર્ચા વાયુવેગે પ્રસરી જતાં કોંગ્રેસી નેતાઓમાં પણ સોંપો પડી ગયો હતો.