સુરતની આ કંપનીમાં બારડોલીના અનેક લોકોના કરોડો રૂપિયા ફસાયા, રાતોરાત માલામાલ થવાના ચક્કરમાં બરબાદ થયા

બારડોલી : (Bardoli) બારડોલીમાં દસ દિવસમાં ડબલ (Double) કરવાની લાલચ આપતી હેલ્પ ટુ અધર્સ (Help to Others) નામની વેબસાઇટના (Website) સંચાલકો સામે ગુનો (Crime) નોંધાયા બાદ આજ રીતની સ્કીમ (Scheme) હેઠળ રોકાણકારોને (Investors) દોઢ મહિનામાં અઢી ગણા પૈસા આપવાની લાલચ આપી લોકોના કરોડો રૂપિયા ચાઉં કરનાર સુરતની (Surat) રોયલ લાઈફ પ્રેઝેન્ટ્સ પાવર ઓફ ગોલ્ડ, રોયલ ગોલ્ડ પાવર કંપનીના (Royal Gold Power company) 6 સંચાલકો સામે ધી પ્રાઇઝ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે એક આરોપીની (Accused) ધરપકડ (Arrest) કરી છે.

બારડોલીમાં શનિવારના રોજ હેલ્પ ટુ અધર્સ નામની વેબસાઇટના માધ્યમથી લોકોને દસ દિવસમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપનાર અંકિત નાયક અને તેની પત્ની અંકિતા નાયક વિરુદ્ધ ફરિયાદ (Complaint) નોંધાતા પોલીસે અંકિત નાયકની ધરપકડ કરી હતી અને કોર્ટ દ્વારા અંકિતના ચાર દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે આવી જ એક સ્કીમમાં ફસાયેલા લોકોએ બારડોલી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.

  • દોઢ મહિનામાં અઢીગણા રૂપિયા આપવાની લાલચમાં રોકાણ કરતાં ભેરવાયા, ઠગાઈ કરનાર તમામ સુરતના
  • કંપનીના સંચાલક આશિષ રાઠોડની ધરપકડ: અન્ય પાંચ શખ્સ સામે પણ ગુનો દાખલ
  • હેલ્પ ટુ અધર્સ નામની વેબસાઈટના માધ્યમથી લાલચ આપનાર અંકિત નાયક અને તેની પત્ની અંકિતા વિરુદ્ધ ફરિયાદ, અંકિતની ધરપકડ

સુરતની રોયલ લાઈફ પ્રેજેંટ્સ પાવર ઓફ ગોલ્ડ, (રોયલ ગોલ્ડ પાવર કંપની,સુરત) નામની કંપનીના સંચાલક આશિષ યશવંત રાઠોડ (રહે વૃંદાવન બંગલોઝ, ભેસ્તાન, સુરત મૂળ રહે માહ્યાવંશી મહોલ્લો ખરસાડ, જી.નવસારી), પ્રવીણ અગ્રવાલ, વિજય વેકરીયા, વિજય બેંગાલી, વિજય કાકડે, કિશન પ્રધાન (તમામ રહે. સુરત)એ રોકાણકારોને લાલચ અને પ્રલોભન સાથે ગ્રાહકોની સાંકળ બનાવી દરેકના આઈ.ડી. બનાવી તેમાં રોકાણ કરાવ્યું હતું. જે પૈકી ભોગ બનનાર રાહુલ અશોકભાઈ પારેખ (રહે માછીવાડ, સરદાર ચોક, બારડોલી)એ પોલીસને ફરિયાદ આપી હતી.

જેમાં જણાવ્યા અનુસાર 36 હજાર રૂપિયાનું રોકાણ કરી દોઢ મહિનામાં 90 હજાર કરવાની લાલચ આપતા તેણે 36 હજારની એક એવી 20 આઈ.ડી. બનાવી કુલ 7.20 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ ઉપરાંત અન્ય સંખ્યાબંધ લોકોએ પણ આ લોભામણી સ્કીમમાં રોકાણ કર્યું હતું. ત્યારબાદ અચાનક કંપની બંધ થઈ જતાં તમામના પૈસા ફસાય જતાં તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થયો હતો. આથી રાહુલે આપેલી ફરિયાદના આધારે પોલીસે વિવિધ કલમ હેઠળ આશિષ રાઠોડ, પ્રવિણ અગ્રવાલ, વિજય વેકરીયા, વિજય બેંગાલી, વિજય કાકડે, કિશન પ્રધાન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે છેતરપિંડી કરનાર આશિષ રાઠોડની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Most Popular

To Top