સુરત: (Surat) લિંબાયત વિસ્તારની ટીપી નંબર 39માં મૂળ માલિકના કબ્જાનો પ્લોટ (Plot) અધિકારીઓએ અન્ય કોઈને સોંપી દેવાના મામલે પાલિકા કમિશનરે (Commissioner) આખરે જાતે હાઈકોર્ટમાં (High Court) હાજર થઈ માફી માંગી છે. હાઇકોર્ટના ધ્યાને આ બાબત આવતા હાઈકોર્ટે કમિશનરને બિનશરતી માફી માંગવા માટે આદેશ કર્યો હતો. જે બાબતે સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ આજે હાઇકોર્ટમાં હાજર રહ્યા હતા.
વિગતો મુજબ લિંબાયત ઝોન દ્વારા ટીપી 34 (ઉધના-લિંબાયત)માં ટીપીના અમલીકરણમાં કબજા ફેરફાર અંગે ગુજરાત હાઈકોર્ટમાં મુળખંડના માલિકો દ્વારા રીટ થઇ હોવા છતાં મનપાના લિંબાયત ઝોનના અધિકારીઓએ ટીપી સ્કીમમાં સૂચિત ફેરફાર મુજબ જેને એફપી ફાળવાયો હતો તે એફપી 10ના માલિકોને કોર્ટના હીયરીંગની રાહ જોયા વગર ઉતાવળે અમલવારી કરી હોય આજે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિર્ઝર દેસાઈએ સુનાવણી દરમ્યાન આકરું મૌખિક નિરીક્ષણ કરીને સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલનો ઉધડો લઈ નાંખ્યો હતો. જસ્ટિસ દેસાઈએ એવું સ્પષ્ટ મૌખિક નિરીક્ષણ કરીને ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં સુરતનાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને ટાઉન પ્લાનિંગ વિભાગના સબંધિત અધિકારીઓ ખાનગી પાર્ટીના એજન્ટ હોય તે રીતે વર્તી રહ્યા છે.
સુરત મહાનગરપાલિકાની ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ન્યાયિક પ્રક્રિયા પડતર હતી છતાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ખાનગી વ્યક્તિને લાભ કરાવવા કાનૂની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી કાયદો હાથમાં લીધો છે. ખાનગી વ્યક્તિને ફાયદો કરાવવા મ્યુનિસિપલ કમિશનર અને ટાઉન પ્લાનિંગ વિભાગે ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં હાઇકોર્ટની નોટિસને અવગણી ફેરફાર કર્યો છે. જો કે આ પ્રકરણની મુળ વાત એવી છે કે, ટીપી 39 (ઉધના-લિંબાયત)માં જે જમીન માલિકને એફપી 10 ફાળવાયો હતો તેને કબજો અપાવવા માટે લિંબાયત ઝોનના અધિકારીઓએ કબજા ફેરફારની નોટીસ મુળખંડના માલિકોને આપી હતી.
જેની સામે મુળખંડના માલિકોએ હાઇકોર્ટમાં રીટ કરી હતી, સામે જેને આ પ્લોટ ફાળવાયો હતો તે જમીન માલિકે કેવીએટ પણ દાખલ કરીને તેને સાંભળ્યા વગર કોઇ આદેશ નહી આપવા કોર્ટને અરજ કરી હતી.આ રીટની સુનાવણી બાકી હતી આમ છતા લિંબાયત ઝોનના અધિકારીઓએ કબજા ફેરફારની અમલવારીમાં ઉતાવળ દાખવી હોય ન્યાયાધીશ નારાજ થયા હતા. હાઈકોર્ટે સુરત મનપા કમિશનરને બિનશરતી માફી માંગવા માટે આદેશ કર્યો હતો અને હાઇકોર્ટમાં આજે હાજર રહેવા માટેનું ફરમાન કર્યું હતું. જેના કારણે કમિશનરે પોતે હાઇકોર્ટમાં હાજર રહી બિનશરતી માફી માંગી લીધી હતી.