સુરત: (Surat) સુરત શહેર-જિલ્લામાં કલેકટરે (Collector) લેન્ડ ગ્રેબિંગ (Land Grabbing) એક્ટ અંતર્ગત વધુ બે ભૂ-માફિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં એક જ વર્ષમાં કલેકટર દ્વારા લેન્ડ ગ્રેબિંગના કુલ 22 કેસમાં પોલીસ ફરિયાદ (Police Complaint) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં આવી પૈકી 327 અરજીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે બાકીની અરજીઓની તપાસ ચાલી રહી છે.
- એક જ વર્ષમાં 22 કેસમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ પ્રમાણે ફરિયાદ નોંધવાનો નિર્ણય લેવાયો, જ્યારે 300 અરજીઓ દફતરે કરી દેવાઈ
- મીટિંગમાં 25 કેસ પર ચર્ચા કરાઈ, જેમાંથી 20 દફતરે કરી દેવામાં આવી, જ્યારે 3 પર નિર્ણય પેન્ડિંગ રાખી દેવાયો
આજે સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી લેન્ડ ગ્રેબિંગની સમીક્ષા બેઠકમાં કુલ ૨૫ કેસો પર ચર્ચા કરવામાં આવી હતી. જે પૈકી ૨૦ ફરિયાદને દફતરે કરવા અને ૩ કેસનાં નિર્ણય પેન્ડિંગ રાખવાનો નિર્ણય કરાયો હતો. જયારે અન્ય બે કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. છેલ્લા એક વર્ષમાં કલેકટર તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં જ 300 કરતા વધારે કેસોની અરજીને દફતરે પણ કરી દેવામાં આવી છે. જે અરજીઓ દફતરે કરવામાં આવી છે, તે પૈકી મહત્તમ અરજીઓમાં કાનુની દાવા, કે પછી રેવન્યુ દાવા ચાલતા હોવાથી તંત્રએ લેન્ડ ગ્રેબિંગ એક્ટની અરજી કરનારા ફરિયાદીઓની અરજીની દફતરે કરી છે.
ફરિયાદોની સંખ્યા જોતાં લેન્ડ ગ્રેબિંગ એક્ટનો દુરૂપયોગ વધ્યો હોવાનું અનુમાન
જે રીતે સુરત કલેકટરાલયમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની ફરિયાદો થઈ રહી છે તે જોતાં આ એક્ટનો દુરૂપયોગ પણ વધ્યો હોવાનું મનાઈ રહ્યું છે. આંકડાઓ પ્રમાણે અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લામાં 480 જેટલી અરજીઓ કરવામાં આવી છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં આવી પૈકી 327 અરજીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે બાકીની અરજીઓની તપાસ ચાલી રહી છે.
કચેરી અરજી નિકાલ
- સિટી પ્રાંત ૨૪૪ ૧૫૯
- ઓલપાડ ૮૧ ૬૧
- કામરેજ ૪૭ ૩૬
- માંડવી ૭૭ ૫૦
- બારડોલી ૩૧ ૨૧
- કુલ ૪૮૦ ૩૨૭