SURAT

કોરોનાના મૃતકોના પરિજનોની સહાય માટે ગ્રામ્ય વિસ્તારની 114 દરખાસ્ત કલેક્ટરે મંજૂર કરી

સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના (Corona) મૃતકોને વળતર ચૂકવવાની શરુ થયેલી કામગીરીમાં વિતેલા બે દિવસમાં 114 મૃતકોના પરિવારજનોની દરખાસ્ત (Proposal) મંજૂર કરી દેવાઇ છે. સુરત શહેર સહિત ભારતભરમાં કોરોનાના કહેરને કારણે દોઢ વર્ષથી સમગ્ર તંત્ર વેર વિખેર થઇ ગયું હતું. કોરોના કાળમાં સેંકડો પરિવારે તેમના સ્નહીજનો, મોભીઓ માતા- પિતા કે ભાઇ- બહેન ગુમાવ્યા હતાં. કોરાનામાં અનેક બાળકોના માતા પિતાની છત્રછાંયા છીનવાઇ ગઇ હતી. કોરોનાને કાબૂમાં લેવા સરકારી તંત્ર કાગળ ઉપર જ આયોજન કરી રહ્યું હતું.

રોજ સવાર પડે ને નીતનવા પરિપત્રોને કારણે કોરોનામાં લોકોને ભારે ગૂંચવાડો ઊભો થયો હતો. કોરોનાના દરમિયાન સેંકડો પરિવારો રોજીરોટી વિનાના થયા હતાં. આ અંગે દેશની સર્વોચ્ચ અદાલતે સરકારને ફટકાર મારતા સરકારે કોરોનાના મૃતકોને વળતર ચૂકવવા આયોજને કરી દીધું છે. રાજય સરકારે કેન્દ્ર સરકારે આપેલી સૂચના મુજબ વળતર માટેના ફોર્મ બહાર પાડી દીધા હતાં. પ્રિસ્ક્રાઇબ ફોર્મ સાથે પુરાવા રજૂ કરી નિયત કરેલા સ્થળે જમા કરાવવાથી સહાય વિતરણ શરુ કરી દેવાયું છે. ગઇકાલે શુક્રવારે ઓલપાડ તાલુકામાં 13 પરિવારોને વળતર આપવાના શ્રી ગણેશ કરાયા હતાં. આજે પણ જિલ્લા કલેકટરાયલાયમાં આ કામગીરી આગળ ધપી હતી. જેમાં 114 મૃતકોના પરિજનોને સહાય વિતરણ દરખાસ્ત મંજૂર કરી દેવાઇ છે. જિલ્લા કલકેટર કચેરીના સૂત્રોના જણાવ્યાનુસાર માંગરોલમાં 22, ઉમરપાડામાં 4, ઓલપાડમાં 25, ચોર્યાસીમાં 16, માંડવીમાં 29, પલસાણામાં 13 તેમજ કામરેજમાં 11 દરખાસ્તને કલેકટરે મંજૂરી આપી છે.

સુરત મહાનગરપાલિકા વિસ્તારની 86 દરખાસ્ત ઉપર આગામી દિવસોમાં મહોર વાગશે
સુરત જિલ્લા કલેકટર (Collector) કચેરીના સૂત્રોના જણાવ્યાનુસાર મનપા વિસ્તારમાં 86 ફોર્મ કલેકટર પાસે આવ્યા છે. આ દરખાસ્તને કલેકટર આગામી દિવસોમાં મંજૂરી આપશે. પછી વળતર ચૂકવણા શરુ કરાશે.

સરકાર દ્વારા ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ કરવાથી માંડીને વળતર માટેની પ્રક્રિયા તેજ બનાવી દેવામાં આવી છે

સુરત: સુપ્રીમ કોર્ટએ કાન આમળ્યા પછી કોરોનામાં મોતને ભેટનારા મૃતકોના પરિવારજનોને વળતર માટે સરકાર દોડતી થઈ જવા પામી છે. સરકાર દ્વારા ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ કરવાથી માંડીને વળતર માટેની પ્રક્રિયા તેજ બનાવી દેવામાં આવી છે. જેમાં સુરત શહેર માટે 10 કરોડ અને સુરત જિલ્લા માટે 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી પણ કરી દીધી છે. સરકારે કરેલી ફાળવણી જોતાં હાલના તબક્કે 50 હજાર લેખે સુરત સિટીમાં 2000 જેટલા અને સુરત જિલ્લામાં 400 મૃતકોના પરિવારજનોને વળતર મળશે.

કોરોનાને લઇને દેશભરમાં હાહાકાર મચ્યો છે. કોરોના વાયરસે સમગ્ર દેશના અર્થતંત્રને પાટા ઉપરથી ઉતારી પાડવા સહિત અનેક પરિવારમાં માતમ ફેલાવી દીધો હતો. કોરોનામાં સ્વજનો ગુમાવનારા પરિવારમાં ભારે રંજ ફેલાયેલો છે. આ અરસામાં દેશની સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારે ચાબુક ફટકારી કોરોનાના મૃતકોના સ્વજનોને સહાય ચૂકવવા આદેશ આપ્યો હતો. આ આદેશને પગલે સરકારે કોરોનામાં સ્વજન ગુમાવનાર પરિવારને પચાસ હજાર વળતર ચૂકવવા તૈયારીઓ કરી છે. સરકારે આ માટે તમામ પ્રક્રિયાઓ શરૂ કરી દીધી છે અને સાથે સાથે ગ્રાન્ટની ફાળવણી પણ શરૂ કરી દીધી છે.

હાલ સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના વળતર માટેના ફોર્મ ભરાઇ રહ્યાં છે પરંતુ સરકાર પાસે ચોપડે જે સત્તાવાર વિગતો છે તે મુજબ સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના મૃતકો માટે બાર કરોડની ગ્રાન્ટ ફાળવી દીધી છે. સત્તાવાર રીતે આખા સુરત જિલ્લામાં કુલ મરણાંક 1956 છે. જેમાં 486 ગ્રામ્ય વિસ્તાર તેમજ 1468 સુરત શહેર વિસ્તારના છે. સરકારી દફતરે નોંધોયેલા આ આંકડાને જોઇ વળતર ચૂકવવામાં ચૂક ન થાય તે માટે બાર કરોડની ગ્રાન્ટ ફાળવી દેવાઇ છે. આ ગ્રાન્ટ પૈકી દસ કરોડ સિટી માટે અને બે કરોડ ગ્રામ્ય માટે અપાયા છે. આગામી દિવસોમાં ફોર્મ ભરાઇ ગયા બાદ તબકકાવાર ચેકની ચૂકવણી શરૂ કરાશે. જે રીતે ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે તે જોતાં સત્તાવાર મોત કરતાં વધુ મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવું પડશે તેવી સંભાવના જોવાઈ રહી છે.

Most Popular

To Top