સુરત: શહેરમાં આજે બીજા દિવસ પણ ઠંડીનો (Cold) ચમકારો યથાવત રહ્યો હતો. મહત્તમ તાપમાનમાં અડધો ડિગ્રી વધારો નોંધાયો છતા વહેલી સવારે કડકડતી ઠંડી અનુભવાઈ હતી.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં ઠંડીનો દોર શરૂ થયો છે. બે દિવસથી ફુલગુલાબી ઠંડી ખિલી ઉઠી છે. ગઈકાલે ઠંડીએ નવેમ્બર મહિનાનો છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો હતો. આજે મહત્તમ તાપમાન આંશિક વધારા સાથે 31.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 30 ટકા ભેજની સાથે 6 કિમીની ઝડપે ઉત્તર-પૂર્વનો પવન ફુંકાયો હતો. તાપમાનનો પારો 16 ડિગ્રીની આસપાસ રહેતા શહેરીજનોએ ફુલગુલાબી ઠંડીનો સામનો કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ રાતથી તાપણું કરવાની ફરજ પડી રહી છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર હજી વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
નવસારીમાં લઘુત્તમ તાપમાન 13.2 ડિગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો, વલસાડમાં 14.5 ડિગ્રી
નવસારી, વલસાડ : નવસારીમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈને 13.2 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે મહત્તમ તાપમાનમાં અડધો ડિગ્રીનો વધારો થયો હતો. જોકે નવસારીમાં ઠંડી યથાવત રહી હતી. જ્યારે વલસાડમાં લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું હતું.
નવસારીમાં ગત શુક્રવારે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાતા ઠંડીમાં વધારો થયો હતો. પરંતુ ગત શનિવારે અને રવિવારે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હતો. ગતરોજ ફરી લઘુત્તમ તાપમાનમાં અઢી ડિગ્રીનો ઘટાડો નોંધાતા ઠંડીનો ચમકારો વધ્યો હતો. જ્યારે આજે મંગળવારે લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થયો હતો. અને મહત્તમ તાપમાનમાં પણ અડધો ડિગ્રીનો વધારો થયો હતો. છતાં પણ નવસારીમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો.
મંગળવારે લઘુત્તમ તાપમાન 0.7 ડિગ્રી વધીને 13.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 0.5 ડિગ્રી વધતા 31.5 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 94 ટકા હતું. જે બપોરબાદ ભેજનું પ્રમાણ ઘટીને 30 ટકા જેટલું નીચું રહ્યું હતું. ઉપરાંત વલસાડમાં લઘુત્તમ તાપમાનનો પારો મંગળવારે 14.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. જેની સાથે હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ હોવાનું જોવા મળ્યું હતું. વલસાડમાં મંગળવારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી થયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 80% પર પહોંચ્યું હતું.