સુરત: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાએ (CMA) જૂન-2022ની ફાઇનલ પરીક્ષાનું (Final Exam) પરિણામ મંગળવારે જાહેર કર્યું હતું. જેમાં સુરતની (Surat) સોનમ અગ્રવાલ 800માંથી 501 માર્ક્સ સાથે દેશમાં પહેલા નંબર પર આવી છે. એટલું જ નહીં, દેશમાં ચોથા, પાંચમાં અને 13માં નંબર પર અનુક્રમે પ્રાંચી કરણાની, રિદ્ધિમા અગ્રવાલ અને શશાંક તંબોલી આવી છે. કોરોના (Corona) વાયરસની મહામારી બાદ ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા પરીક્ષા ઓનલાઇન (Online Exam) લઇ રહ્યું છે. એવામાં જ આ વખતે જૂન મહિનામાં ફાઇનલની પરીક્ષા જૂન-2022માં ઓનલાઇન મોડથી લીધી હતી. વિદ્યાર્થીઓએ જે તે સેન્ટર પર જઇને પરીક્ષા આપી હતી. જેનું પરિણામ મંગળવારે સાંજે જાહેર થયું હતું.
ઇન્ટરમિડિએટની પરીક્ષામાં જીનેશ દેશમાં 15માં અને રૂચિત 44માં નંબરે આવ્યો
ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાએ જૂન-2022ની ફાઇનલ પરીક્ષાની સાથે ઈન્ટરમીડિએટની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં જીનેશ સપાણી 505 માર્ક્સ સાથે દેશમાં 15માં નંબરે આવ્યો છે. તે પછી 467 માર્ક્સ સાથે રૂચિત જૈન 44માં નંબર પર આવ્યો છે. જો કે, આ પરીક્ષા પણ ઓનલાઇન લેવાય હોય અને વિદ્યાર્થીઓએ જે તે સેન્ટર પર જઈને આપી હતી.
પરીક્ષા અપાવ્યા બાદ બીજી પરીક્ષાની તૈયારી શરૂ કરી દો, પેપર કેવું ગયું છે તેની ચર્ચાઓ નહીં કરો :સોનમ અગ્રવાલ
હું રોજનું આઠથી દસ કલાકનું વાંચન કરતી હતી અને પરીક્ષા સમયે બાર કલાક સુધીનું વાંચન કરી હતી. પરીક્ષા સમયે વાંચવા માટે સમય ઓછો પડતો હતો. પણ નોટ્સ બનાવી હતી. જેનો મને ખૂબ જ ફાયદો થયો છે અને પરીક્ષા સમયે મારૂ ખૂબ જ જલદી વાંચન થઈ જતું હતું. હું ક્લાસિસમાં જે પણ ભણતી તે ઘરે આવીને એક વખત ફરી ભણી જતી હતી. હું મારા જૂનિયરોએ એક જ ટિપ્સ આપીશ અને તે એ છે કે પરીક્ષા અપાવ્યા બાદ બીજી પરીક્ષાની તૈયારી શરૂ કરી દો, પેપર કેવું ગયું છે કેવું નથી ગયું તે મામલે ચર્ચાઓ નહીં કરો. વાંચતી સમયે હું ઘણી વખત કંટાળી જતી અથવા ડિપ્રેશનમાં આવી જતી હતી. પરંતુ હું મેડિટેશન કરતી અને મ્યુઝિક સાંભળતી હતી. હવે હું ભારતની કોઇ પણ સારી કોર્પોરેટ ઓફિસમાં જોબ મેળવીશ અને તે પછી પોતાનું સ્ટાર્ટ અપ કરીશ. મે મારો બીકોમનો અભ્યાસ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એસ. ડી. જૈન કોલેજમાંથી કર્યો છે. જ્યારે ધોરણ-12 સુધીનો અભ્યાસ સીબીએસઇની અગ્રવાલ વિદ્યાવિહાર સ્કૂલમાંથી કર્યો છે.