સુરત: (Surat) સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્ર તરફ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માવઠાની આગાહી કરી છે. જેને કારણે આજે શહેરમાં સવારથી વાદળછાયુ (Cloudy) વાતાવરણ રહ્યા બાદ સાંજે એકાએક શહેરમાં કાળાડિબાગ વાદળો છવાતા વરસાદી માહોલ સર્જાયો હતો.
- શહેરમાં સાંજે વરસાદી માહોલ છવાયો: આગામી પાંચ દિવસ માવઠાની આગાહી
- માવઠાની સાથે ધરતીપુત્રો ઉપર આફતના વાદળો મોટુ નુકશાન કરશે
- વાદળોની વચ્ચે પણ તાપમાનનો પારો ૩૮.૪ ડિગ્રી નોંધાયો
માર્ચ મહિનાની આ સિઝનમાં ગરમીનો પારો ધીરે ધીરે ચરમસીમાએ પહોંચતો હોય છે. શહેરીજનો ગરમીથી આકુળ-વ્યાકુળ થતા હોયછે. અને જાણે સૂર્યદેવ આકાશમાંથી અગનગોળા વરસાવવાનું શરૂ કરતા હોય તેવો ઉનાળો મધ્યાને પહોંચતો હોય છે. પરંતુ કુદરતની કરામત કહો કે કહેર કે પછી ગ્લોબલ વોર્મિંગની અસર શહેરમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. અનેઆ માવઠું માત્ર સુરત શહેરમાં નહીં પણ સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ ઉપર ચિંતાના વાદળો લઈને આવ્યો છે. શહેરમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અને બપોર બાદ ધીમે ધીમે કાળા ડિબાંગ વાદળો શહેરને ઘેરી વળ્યા હતા.
જાણે ચોમાસાની શરૂઆત હોય તેમ ભર ચૈત્ર મહિનામાં આષાઢી મહિના જેવો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ તાપમાનનોપારો આજે આંશિક ઘટાડા સાથે ૩૮.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી વધીને ૨૪.૨ ડિગ્રી નોંધાયુંહતું. શહેરમાં આજે હવામાં ૩૨ ટકા ભેજની સાથે ૧૦ કિમીની ઝડપે ઉત્તર-પૂર્વનો પવન ફુંકાયો હતો. હવામાન વિભાગે આગામી ૫ દિવસસુધી આ વાતાવરણ યથાવત રહેવાની આગાહી કરી છે.
કડોદરા અને પલસાણા પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો
પલસાણા: પલસાણા પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેને લઇ સાંજના સુમારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. પૂરઝડપે પવનોના સુસવાટા સાથે પડી રહેલા વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પરંતુ વરસાદને પગલે ખેડૂતોમાં પણ ચિંતાનાં વાદળો ઘેરાયાં હતાં અને કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હતું. માવઠું થતાં કડોદરા જીઇબીએ વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભરઉનાળે સાંજે લોકોએ છત્રીના સહારે બહાર નીકળવું પડ્યું હતું.