સુરત: સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) 7.56 કરોડનું GST કૌભાંડની (SCAM) મુખ્ય મંત્રીને કરાયેલી લેખિત ફરિયાદની (complaint) કોપી વાઇરલ થયાના લગભગ એક મહિના બાદ નવી સિવિલ હોસ્પિ.ના મેડિકલ સુપરીન્ટેન્ડન્ટે પત્રકાર પરિષદ બોલાવીને એવા દાવાઓ કર્યા હતા કે કોન્ટ્રાકટરે જે તે સમયે GST વગરના બિલ મુક્યાં હતા. પાછળથી મુકવામાં આવેલા આ બિલ આરોગ્ય કમિ. અને ડાયરેકટરના આદેશ બાદ મંજૂર કરવામાં આવ્યા છે. હજી સુધી મુખ્ય મંત્રીને કરાયેલી ફરિયાદની કોપી મારી પાસે આવી નથી એટલે તપાસનો કોઈ વિષય બનતો નથી તેવો ખુલાસો પણ સુપરીન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરીન્ટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરે પત્રકાર પરિષદમાં એવો દાવો કર્યો હતો કે કોઈ બિલ ડબલ વખત ચૂકવાયા નથી. 2020થી 2022 વચ્ચેના GSTના બાકી રહી ગયેલા બિલ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા લેખિતમાં આદેશ આવતા બિલ તૈયાર કરાયા હતા. ડાયરેક્ટર ઓફિસથી લેટર આવ્યો હતો. કોને GSTની ચુકવણી કરાઈ છે અને કોને નથી કરાઈ? એવી માહિતી માગવામાં આવતા એમને લેખિતમાં જાણ કરાઈ હતી. ત્યારબાદ તફાવતના બિલ મંજૂર કરવા આદેશ કરાયો હતો. જોકે બિલ ચકાસણી કરાઈ છે કે નહીં એ બાબતે કહ્યું હતું કે લેખિતમાં આદેશ આવતા બિલ ચૂકવાયા છે.
ડો. ગોવેકરે કહ્યું હતું કે, મુખ્ય મંત્રીને કરાયેલી ફરિયાદમાં કલ્પેશ નામના વ્યક્તિનો ઉલ્લેલખ કરાયો છે એ કોણ છે અને ક્યાંનો છે એ બાબતે કશું પણ જાણતા નથી. 7.56 કરોડના GST કૌભાંડ જેવું કંઈ થયું જ નથી. તમામ બિલની ચકાસણી અને ગણતરી RDD દ્વારા કરવામાં આવી છે. વિશ્વા એન્ટરપ્રાઇઝનું ટેન્ડર પાસ થયું ત્યારે GST ન હતું. ત્યારબાદ GST લાગુ પડતા તફાવતના બિલ કમિશનર અને RDD ના આદેશ બાદ મંજુર કરાયા છે.
તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, વિશ્વા એન્ટરપ્રાઇઝ દ્વારા GST વગરના પગાર બિલ મુકાયા હતા. જે પાછળથી GST એડ કરાતા તફાવતના બિલ પાસ કરાયા છે. પગાર સાથે જ GST એડ કરી બિલ મુકવાની પદ્ધતિ હોય છે. બિલ ચકાસણીનું કામ કલાર્કનું હોય છે. ત્યારબાદ હિસાબી અધિકારી બિલ પર સહી કરી મેડિકલ સુપરિટેન્ડન્ટ પાસે લાવતા હોય છે. સુપરિટેન્ડન્ટની સહી બાદ બિલ RDDમાં જતા હોય છે. આ એક સરળ પ્રક્રિયાથી કામગીરી ચાલતી હોય છે. રાકેશ નામના ઓફિસ સુપરિટેન્ડન્ટ ની બદલી બાબતે જણાવ્યું હતું કે, નર્સિંગ કોલેજ દ્વારા ક્લાર્કની માગણી કરાઈ હોવાથી રાકેશની બદલી કરાઈ છે.