SURAT

સુરતની સિવિલ હોસ્પિટલમાં ‘રાષ્ટ્રીય ડોક્ટર દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી

સુરત: સુરત (Surat) નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) સ્થિત કિડની બિલ્ડિંગ ખાતે ‘ધી ટ્રેઈન્ડ નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા – સુરત દ્વારા ‘રાષ્ટ્રીય ડોક્ટર દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી (Celebration) કરવામાં આવી હતી. શાંતિના પ્રતિક સમા ફુગ્ગાઓ ઉડાડી, કેક કાપી, તબીબોને સાલ ઓઢાડી નર્સિંગ બહેનોએ ડોક્ટર દિવસની (Doctor day) ઉજવણી કરી હતી.

આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતુ કે, બાળકના જન્મ પૂર્વે તેમજ જન્મ બાદ આજીવન તેઓના સુખમય સ્વાસ્થ્યની તકેદારી લેતા જીવન રક્ષક-તબીબોની સેવા અને સમર્પણને બિરદાવવા ‘રાષ્ટ્રીય ડોક્ટર દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ‘સફેદ એપ્રન પહેરતા દેવદૂત સમાન તબીબો માનવજાતિ માટે આશીર્વાદ સમાન છે, જેની પ્રતીતિ સમગ્ર વિશ્વને કોરોના મહામારી દરમિયાન સુપેરે થઈ ચૂકી છે.

તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવી સિવિલ હોસ્પિટલ દ્વારા લોકોના આરોગ્યની ખેવના રાખવામાં કોઈ કસર છોડવામાં આવતી નથી. તેમજ તબીબો સાથે નર્સિંગ સ્ટાફ દ્વારા જરૂરિયાતમંદ તમામ લોકોને નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવા પ્રદાન થતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. દર્દી અને ડોક્ટર વચ્ચેની પરસ્પર આત્મિયતાની વાત કરતા તેમણે કહ્યુ કે, ડોકટરનું એક સ્મિત દર્દી માટે દવાથી વધારે અસરકારક સાબિત થાય છે.

કડીવાલાએ કોરોના મહામારી, રેલ કે પ્લેગ જેવી આફતના સમયે ખડેપગે રહી માનવજીવનને સંકટમાંથી ઉગારતા તબીબોની સેવાને બિરદાવી હતી. સાથે જ આરોગ્ય ક્ષેત્રે સિક્કાની એક તરફ ડૉક્ટર તો બીજી તરફ નર્સને ગણાવી તેમણે તબીબી સેવાઓમાં નર્સની મહત્વની ભૂમિકા વિષે વાત કરી હતી. તેમણે કહ્યું કે, બિમારી સાથે આવનાર દર્દીઓને ડોકટરો પારિવારીક સભ્યોની જેમ હૂંફ આપી સારવાર કરી દર્દીઓને સારુ સ્વાસ્થ્ય અર્પણ કરે છે.

આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર, આરએમઓ ડો. કેતન નાયક, સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.રાગીની વર્મા, સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ ઇન્દ્રાવતી રાવ, ડો. અશ્વિન વસાવા, ડો.પ્રીતિબેન કાપડિયા, ડો.નિલેશ કાછડીયા, વિવિધ વિભાગમાં તબીબો,નર્સિંગ કોલેજના ફેકલ્ટી, હેડ નર્સ, સ્ટાફ નર્સ, સહિત નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top