સુરત: ચારઘામ યાત્રાની ઈચ્છા લોકોમાં મોટા ભાગે વઘુ જોવા મળે છે. સુરતમાં એક અંદાજ મુજબ દર વર્ષે 5 થી 7 હજાર યાત્રાળુઓ અમરનાથ તેમજ ચારધામની યાત્રા કરતાં હોય છે. કોરોનાના કારણે તમામ પ્રકારની યાત્રાઓ બંધ કરી દેવામાં આવી હતી. હાલમાં કોરોનાની અસર ઓછી થવાના કારણે યાત્રાઓ ફરી શરૂ કરવામાં આવી છે. આ યાત્રા માટે યાત્રાળુઓ પાસે ફિટનેસ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી ફિટનેસ સર્ટિફિકેટ માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેના કારણે ત્યાંના તબીબોએ કે ફિટનેસ સર્ટિફિકેટ મેળવનાર વ્યકિતને કોઈ અગવડ ન પડે. વહેલી સવારથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે લોકોની લાંબી લાઈન લાગી જાય છે.
- ભારત સરકારે અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ કરવાનો નિર્ણય લીધો
- આ વર્ષે યાત્રાળુઓની સંખ્યા વધી શકે તેવી સંભાવના વર્તાઈ રહી
- વહેલી સવારથી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા નવી સિવિલમાં લોકોની લાંબી લાઈન લાગી જાય છે
અમરનાથ ધાર્મિક સ્થળોમાંનુ એક છે. દેશના અલગ-અલગ રાજ્યોમાંથી લોકો શ્રદ્ધાપૂર્વક આસ્થાનાં કેન્દ્ર એવો અમરનાથ યાત્રા કરતા હોય છે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડે રવિવારે આ યાત્રાની તારીખોની જાહેરાત કરી હતી . 30 જૂનથી અમરનાથ યાત્રા ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યાત્રા રક્ષાબંઘનના તહેવાર સુઘી ચાલું રહેશે. અમરનાથ યાત્રાઆ નિર્ણયથી શ્રદ્ધાળુઓમા ખુશીનો માહોલ છવાઈ ગયો છે. લોકો ઉત્સાહભેર આ યાત્રામાં જોડાવા માટે તૈયારી કરી રહ્યા છે. આ યાત્રા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા આવતા મહિનાથી શરૂ થઈ શકે છે.
ફિટનેસ સર્ટિફિકેટ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સવારથી જ લાંબી કતાર લાગી જાય છે. શ્રદ્ધાળુઓને સરળતાથી સર્ટિફિકેટ મળી રહે તેમજ હોસ્પિટલમાં પણ કોઇ અગવડ ઊભી ન થાય તે માટે હોસ્પિટલમાં બે અલગ અલગ બારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોના ડોક્યુમેન્ટ ભેગા કરી ડોક્યુમેન્ટની સંપૂર્ણ તપાસ કર્યા પછી તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે અને ત્યાર પછી તેઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી આ યાત્રા કોરોનાના કારણે બંધ રાખવામાં આવી હતી. આ વર્ષે યાત્રાળુઓની સંખ્યા વધી શકે તેવી સંભાવના વર્તાઈ રહી છે.
શું છે યાત્રાનું મહત્વ, કેમ દર વર્ષે લાખો લોકો આ યાત્રા કરવા જાય છે?
મળતી માહિતી મુજબ અમરનાથ ગુફા કાશ્મીર ખીણના અનંતનાગ જિલ્લામાં આવેલું છે. અહીં ભગવાન શિવે માતા પાર્વતીને અમર હોવાની ગુપ્ત કથા સંભળાવી હતી. આ કથા ગુફામાં હાજર બે કબૂતરોએ સાંભળી હતી. બરફથી ઢંકાયેલા પહાડોના શિખર ઉપર બનેલી એક ગુફા કુદરતી રીતે દર વર્ષે શિવલિંગ બનાવે છે, જેના દર્શન માટે લાખો લોકો ઉમટી પડે છે. આ યાત્રા શરૂ થાય તે અગાઉ સેના અને સુરક્ષા દળોએ તડામાર તૈયારીઓ કરવી પડે છે.