SURAT

સરકાર ફંડ આપે તો જ સુરત સિવિલને એમઆરઆઈ મશીન મળી શકશે

surat : દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ પાસે એમઆરઆઇ મશીન ( MRI MACHINE) જ નથી. આ મશીન ખરીદવા માટે હોસ્પિટલ પ્રશાસન દ્વારા રાજ્ય સરકારને ઇન્ડેન્ટ મોકલવામાં આવ્યું હતું. જેને લઈ મંગળવારે મેડિકલ કોલેજના ડીન અને રેડિયોલોજી વિભાગના વડા વચ્ચે મીટિંગ યોજાઇ હતી. જાણવા મળ્યા મુજબ જો રાજ્ય સરકાર ફંડ રિલીઝ ( FUND ) કરે તો આગામી ત્રણથી ચાર મહિના સુધીમાં સુરત સિવિલને ( SURAT CIVIL) એમઆરઆઇ મશીન મળી શકે તેમ છે.


આ અંગે માહિતી આપતા મેડિકલ કોલેજનાં ડીન ડો.ઋતંભરા મહેતાએ જણાવ્યું હતું કે, રેડિયોલોજી વિભાગનાં એચઓડી ડો.પૂર્વી દેસાઇ સાથે મીટિંગ યોજાઇ હતી. આ મીટિંગમાં કિડની હોસ્પિટલમાં કાર્યરત સિટી સ્કેન મશીન અને એક્સ-રે મશીનને લઇ ચર્ચા પણ થઇ હતી. કિડની હોસ્પિટલમાં જે મશીનો આવ્યાં તેમાં સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્નમેન્ટ બંનેનો સહયોગ હોય છે. જે મશીનો આવ્યાં છે તેમાં પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ફંડ આપવામાં આવ્યું છે અને તેઓના માર્ગદર્શન પ્રમાણે જ મશીનો આવ્યાં છે. અલગ અલગ ફેઇઝ પ્રમાણે ફંડ રિલીઝ કરવામાં આવે છે. ત્યારબાદ મશીન બહારથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે. એમઆરઆઇ મશીનમાં પણ આવું જ છે, જો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફંડ રિલીઝ કરવામાં આવે તો આગામી દિવસોમાં સિવિલ હોસ્પિટલને એમઆરઆઇ મશીન મળી શકશે. આ પ્રોસેસ જો અત્યારથી કરવામાં આવે તો પણ આગામી ત્રણતી ચાર મહિના જેટલો સમય લાગી જાય તેમ છે. હાલમાં કોરોનાની મહામારી બાદ મ્યુકરમાઇકોસિસની મહામારી કારણે લોકો હેરાન થઇ રહ્યા છે અને આવા સંજોગોમાં જો સરકારી હોસ્પિટલ પાસે જ એમઆરઆઇ મશીન હોય તો લોકોને બહાર હેરાન થવું પડે નહીં.

સિટી સ્કેન મશીન માટે પણ વારંવાર રજૂઆતો કરવી પડી હતી
પ્રાપ્ત વિગતો મુજબ સુરતની સિવિલ હોસ્પિટલ મોટી હોવા છતાં પણ સિવિલમાં સિટી સ્કેન મશીનની વ્યવસ્થા ન હતી. આ માટે તંત્ર દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને વારંવાર ઇન્ટેન્ડ પણ મોકલાયાં હતાં. આખરે બે વર્ષ પહેલા જ સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન મશીન ફાળવવામાં આવ્યું હતું. જો કે, આ મશીનમાં પણ અનેક પ્રકારના વિવાદો સામે આવ્યા હતા. ત્યારે હવે એમઆરઆઇ મશીનને લઇ પણ તંત્ર દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે. ત્યારે હવે સિવિલને ક્યારે એમઆરઆઇ મશીન ફાળવવામાં આવે છે એ જોવું રહ્યું.

Most Popular

To Top