સુરત: (Surat) સુરત સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર છૂટાં હાથની મારામારીના વિડીયો (Video) સામે આવ્યા છે. એટલું જ નહીં પણ બિન વારસી મૃતદેહના મળી આવેલા વાલી વારસો વચ્ચે કોઈ બાબતે ઝગડો થયા બાદ હાથાપાઈ થઈ હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી બાજુ પોસ્ટમોર્ટમ (Postmortem) રૂમ બહાર ચરસીઓએ સિવિલના એક કોન્ટ્રાકટ કર્મીને પણ મારતા મામલો બગડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં તા. 6 ના રોજ એક બિનવારસી મૃતદેહ મુકવામાં આવ્યો હતો. બીમારી ને કારણે મોત થયા બાદ પોલીસે પરિવારની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પરિવારની ઓળખ થઈ જતા તેમને પોલીસે પોસ્ટ મોર્ટમ રૂમ બહાર બોલાવ્યા હતા. જોકે કેટલાક સંબંધીઓ દારૂના નશામાં આવતા કોઈ વાત હાથાપાઈ સુધી પહોંચી હતી. દારૂ પીધેલ સંબંધી જીદ પકડી રાખતા મહિલા સહિત કેટલાકે પીધેલ વ્યક્તિને લાફા અને ટપલી દાવ કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે મારામારી પોસ્ટ મોર્ટમ રૂમ સુધી પહોંચતા અન્ય લોકોએ આ પરિવારને તગેડી મુકયા હતાં ત્યારબાદ પોલીસે પણ આ પરિવારને ઘરે જવા કહી દીધું હતું. અંદરોઅંદરની મારામારીના વિડીયો સામે આવ્યા બાદ આખી ઘટનાની તપાસ કરતા આ વાત સામે આવી હતી.