SURAT

છ દિવસની બિમાર બાળકીનો પિતા સુરતની સિવિલમાં કેસ બારી પર કાકલૂદી કરતો રહ્યો પણ સ્ટાફ લંચમાં જ્તો રહ્યો

સુરત: ચોમાસા (Monsoon) દરમિયાન શહેરમાં રોગચાળાનો (Epidemic) કહેર ધીરેધીરે વધી રહ્યો છે. એક બાજુ તંત્ર ડોર ટુ ડોર સર્વે કરી રહ્યું છે, તો બીજી બાજુ નવી સિવિલ હોસ્પિટલ (NewCivilHospital) દર્દીઓથી (Patient) ઉભરાઈ રહી છે. દર્દીઓના સંગા સંબધીઓ વહેલી સવારથી જ હોસ્પિટલની કેસ બારીની (Case Window) લાઈનમાં ઉભા રહી જાય છે.

  • સુરતમાં ઝાડા-ઉલટી, તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ સહિતનો રોગચાળો બેકાબુ
  • કાગળો પર સરવે બતાવતી પાલિકાની આરોગ્ય કામગીરીની પોલ, સિવિલ હોસ્પિટલમાં ઉભરાતી દર્દીઓની ભીડ ખોલી રહી છે
  • કેસ કઢાવવા, તબીબને બતાવવા, દવા લેવા, સહિત જ્યાં જુઓ ત્યાં દર્દીઓની લાંબી લાઈનો, દર્દીઓની સાથે સગાઓ પણ પીડાય છે

સિવિલ હોસ્પિટલમાં લોકો 3 થી 4 કલાસ સુધી લાઈનમાં ઊભા રહ્યાં બાદ તેઓને કેસ મળે છે, તે પછી ડોકટરને બતાવવા માટે પાછું લાઇનમાં ઉભું રહેવું પડે છે. આ સ્થિતિમાં સોમવારે એક લાચાર બાપનો જે કેસ સામે આવ્યો તે જોઈને ભલાભલાના રૂંવાડા ઊભા થઈ જાય પરંતુ કેસબારીના સ્ટાફનું રુંવાડું સુદ્ધાં ફરક્યું ન હતું.

છેક કડોદરાથી પોતાની માત્ર છ જ દિવસની બાળકીને બતાવવા સિવિલ હોસ્પિટલ આવેલા બાપ સવારના 9.30થી કેસ કઢાવવા લાઈનમાં ઊભો હતો અને જ્યારે તેનો નંબર આવ્યો ત્યાર 12.05 કલાકે તેના મોઢા પર જ બારી બંધ કરીને કહી દેવાયું કે હવે લંચ બ્રેક છે.

એક કેસ કાઢી આપવા બાપ હાથ જોડીને કેસ બારી પાસે આંક્રદ કરતો રહ્યો પણ નફફટ સ્ટાફે તેની એક વાત કાને ના ધરી. એ ગરીબ બાપની આંખોમાં હતું તો માત્ર આંક્રદ અને લાચારી. અન્ય દર્દીઓ પણ આ સ્થિતિ જોઈને સમસમી ઉઠ્યા હતા કેમકે હવે જો આ બાળકીને તબીબને બતાવવું હોય તો કેસ કઢાવવા સાંજે 4 વાગ્યા સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ હતી. શું તાજા જન્મેલા બાળકના કેસમાં પણ સિવિલ તંત્ર તેની માનવતાને નેવે મૂકી દીધી, સરકારી કર્મચારીઓની આનાથી મોટી નાગાઈ બીજી કઈ હોઈ શકે?

આ તો માત્ર એક બનાવ છે, હાલ રોજ આ સ્થિતિ છે, કેટલાય સારવારની તત્કાળ જરૂરવાળા ગરીબ દર્દીઓની આવી હાલત થતી હશે. સવારથી લાઈનમાં ઉભેલા વ્યક્તિનો કેસ બારી પર નંબર આવે ત્યાં સુધી હોસ્પિટલનો લંચ બ્રેક થઈ જાય છે. જેથી વધુ 3 કલાક સુધી લોકો લાઈનમાં બેસી રહે છે.

જેમતેમ કેસ કઢાવ્યા બાદ ડોકટરને બતાવવા જાય ત્યાં સુધી રાત થઈ જાય છે. જેને પગલે લાચાર બનીને કેટલાક પાછા જતાં રહે છે તો કેટલાક નાણાંના અભાવે લાચારીના માર્યા ત્યાં બેસી રહે છે, દર્દીઓમાં ખૂબ રોષ છે પરંતુ સરકારી તંત્રની સામે ગરીબનો પનો ટૂંકો પડી રહ્યો છે.

શહેરમાં ઝાડા-ઉલટી, તાવ, મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના કેસ વધતા મોતના બનાવો પણ સામે આવી રહ્યા છે. રોગચાળાને પગલે મહાનગર પાલિકા જુદી જુદી ટીમો બનાવી સર્વેની કામગીરી કરી રોગચાળાને અટકાવવાની કામગીરી ખાલી કાગળ પર થઈ રહી હોય તેવું ચિત્ર સિવિલ હોસ્પિટલમાં ઉપસી રહ્યું છે. પાંડેસરા, ભેસ્તાન, સચિન, ડિંડોલી તેમજ વેડરોડના સ્લમ વિસ્તારોમાં રોગચાળાને કારણે હાહાકાર મચી રહ્યો છે. નાના નાના ભૂલકાઓથી માંડીને મોટેરાઓ રોગચાળોનો શિકાર બની રહ્યા છે.

6 દિવસની તાજી જન્મેલી બાળકીની હાલત નાજુક, છતાં કેસ કાઢનારો સ્ટાફ લંચ બ્રેકમાં જમવા જતો રહ્યો!
સુરેન્દ્ર કુમાર તિવારી (લાઈનમાં ઉભા રહેલા દર્દીના પિતા) મૂળ ભદોઈ જિલ્લા યુપીના વતની છે. જે કડોદરા તાતીથૈયામાં પોતાના પરિવાર સાથે રહે છે અને ઓટોરિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સુરેન્દ્ર કુમારની પત્નીએ 6 દિવસ પહેલા જ બાળકીને સિવિલ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો.

બાળકીને માથામાં સોજો આવી ગયો હતો અને તે ભાગ થોડો કડક થઈ ગયો હોય તેવું લાગતા સુરેન્દ્રકુમાર પત્ની સાથે બાળકીને સોમવારે સવારે છેક કડોદરાથી સિવિલ હોસ્પિટલ ડોકટરને બતાવવા માટે લઈને આવ્યા હતા. જ્યાં સુરેન્દ્રકુમાર સવારે 9:30 વાગ્યાથી કેસ બારીની લાઈનમાં ઊભા રહ્યા હતા.

તેમનો 12:05 મિનિટે કેસ બારી પર નંબર આવ્યો હતો. પણ 5 મિનિટ ઉપર થઈ ગઈ હોવાથી કેસ બારીમાં કામ કરતા સ્ટાફનો લંચ બ્રેક થઈ ગયો હોવાથી તેઓ બારી બંધ કરીને જતાં રહ્યા હતાં. સુરેન્દ્રકુમાર પોતાની બાળકીને ઇમરજન્સી છે અને તેના જન્મને માત્ર 6 દિવસ જ થયા છે તેવી કાકલૂદી કરતાં રહી ગયા હતાં, છતાં ત્યાંનો સ્ટાફ જમવા જતો રહ્યો હતો.

Most Popular

To Top