SURAT

સુરત સિવિલમાં કરોડોના ખર્ચે બનેલી કિડની હોસ્પિટલના બેઝમેન્ટમાં ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઇ ગયુ!

સુરત: (Surat) અત્યાધુનિક મશીનરી સાથે સુરતના લોકો તેમજ દક્ષિણ ગુજરાત માટે વધુ સારી સેવા આપવાની વાતો સાથે નવી સિવિલ હોસ્પિટલના (Civil Hospital) કેમ્પસમાં કિડની હોસ્પિટલ શરૂ કરાઇ હતી. કોવિડ મહામારીમાં આ બિલ્ડિંગ શરૂ કરી દેવાઇ છે પરંતુ હોસ્પિટલના બેઝમેન્ટમાં ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઇ જતાં તેમાં મેઇન્ટેનન્સને (Maintenance) લઇને કોઇ જ આયોજન ન હોવાનું બહાર આવ્યું છે.

  • નવી સિવિલની કિડની હોસ્પિટલના બેઝમેન્ટમાં ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઇ જતાં અચરજ
  • હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ અને પીઆઇયુ વિભાગ આ બાબતથી અજાણ
  • કિડની હોસ્પિટલ શરૂ થયાને એક વર્ષ થયું, ત્યાં જ બિલ્ડીંગની બેદરકારી બહાર આવવા લાગી

પ્રાપ્ત વિગતો મુજબ સુરતની નવી નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કિડનીની વધુ સારી સુવિધાઓ માટે અલગથી કરોડો રૂપિયાની કિડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી. આ હોસ્પિટલ તૈયાર કરાયા બાદ પાંચ વર્ષ સુધી તેને ઉપયોગમાં લેવામાં આવી જ ન હતી. ત્યાં કોરોનાની મહામારી વચ્ચે કિડની હોસ્પિટલના તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવી હતી. કોરોનાની બીજી લહેરમાં અનેક દર્દીઓએ કિડની હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારબાદ ટ્રોમા સેન્ટરની બિલ્ડિંગ જર્જરીત થઇ જતાં ટ્રોમા સેન્ટરને પણ કિડની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. આ વાતને આજે બે મહિના જેટલો સમય થયો છે. ત્યાં જ કિડની હોસ્પિટલની બિલ્ડિંગ વિવાદમાં આવી ગઇ છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં તપાસ કરતા અહીં ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઇ ગયું હતું. આ પાણી ક્યાંથી આવ્યું..? તે અંગે હજુ કોઇ ચોક્કસ માહિતી મળી નથી. આ બાબતે સુરત સિવિલ હોસ્પિટલના સત્તાધીશો તેમજ મેઇન્ટેનન્સ કરનાર પીઆઇયુ વિભાગને પણ જાણ નહીં હોવાની વિગતો મળી છે.

હોસ્પિટલમાં અનેક જગ્યાએ લીકેજ, પાણી નિકાલ માટેની કોઇ વ્યવસ્થા જ નથી
હોસ્પિટલમાં કાર્યરત કેટલાક કર્મચારીઓએ પોતાનો અભિપ્રાય આપતા કહ્યું હતું કે, બિલ્ડિંગમાં અનેક જગ્યાએ લિકેજ જોવા મળ્યું છે. ધાબા ઉપરથી પાણીની ટાંકીઓ ભરાઇ જાય ત્યારે તેમજ પાણી છલકાઇને પાઇપમાર્ગે નીચે ઉતરે છે, પરંતુ આ પાઇપમાં પણ અનેક જગ્યાએ લીકેજ છે. આ ઉપરાંત ચોમાસાની ઋતુ દરમિયાન પણ પાણી ભરાયું હોય તેનો નિકાલ થયો ન હોવાનો સૂર પણ વ્યક્ત કરાયો છે. આ બિલ્ડિંગમાં બેઝમેન્ટમાં પાણી નિકાલ માટેની કોઇ વ્યવસ્થા જ ન હોવાની ચર્ચા પણ થઇ રહી છે. ત્યારે આ બાબતે સિવિલ પ્રશાસન શું પગલા ભરે છે તે જોવું રહ્યું.

Most Popular

To Top