સુરત (Surat) : શહેરની નવી સિવિલ હોસ્પિટલના (NewCivilHospital) ગંભીર બેદરકારીના લીધે વધુ એક દર્દીનું (Patient) મોત (Death) નિપજ્યું છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દર્દીની તાત્કાલિક સારવાર કરવાના બદલે વિવિધ ટેસ્ટ માટે ધક્કા ખવડાવતા આખરે રિબાઈ રિબાઈને ઈજાગ્રસ્તે દમ તોડી દીધો છે.
સિવિલ હોસ્પિટલમાં અકસ્માતના દર્દીનું ટ્રોમાં સેન્ટરમાં સારવારમાં બેજવાબદારીને લઈ મોત નિપજ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હજીરા અદાણી પોર્ટના ગેટ બહાર સામ સામે અથડાયેલા બે ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં એક ટ્રેલર ચાલકને બન્ને પગ કચડાઈ ગયા બાદ સિવિલ લવાયો હતો.
સવારે 7:10 મિનિટે સિવિલ લવાયેલા મિથિલેષ નામના દર્દીને ઓર્થો રેસિડેન્ટ ડોક્ટરોએ વિવિધ ટેસ્ટ માટે રખડાવતા બીપી ઓછું થઈ ગયું હતું. એટલું જ નહીં પણ ડોપલર ટેસ્ટ થાય એ પહેલા જ મીથિલેષની તબિયત બગડતા તેને તાત્કાલિક ફરી ટ્રોમાં સેન્ટરમાં ખસેડાયો હતો. જોકે કોઈ સારવાર મળે એ પહેલા જ એનું મોત નિપજ્યું હતું.
પરિવારે જણાવ્યું હતું કે ઘટના આજે મંગળવારે સવારે લગભગ 5 વાગ્યાની હતી. હજીરાના મોરા ટેકરા પાસે રહેતા મિથીલેષ શ્રીરામ બિંદ (ઉ.વ.28) યાર્ડ માંથી ટ્રેલર પર કન્ટેનર લઈ અદાણી પોર્ટ જઇ રહ્યો હતો. ત્યારે પોર્ટ બહાર સામે થી આવતા કન્ટેનર સાથે ધડાકાભેર ભટકાઈ જતા મિથીલેષના ડ્રાઇવર કેબિનમાં બન્ને પગ કચડાઈ ગયા હતા. ઘટનાની જાણ બાદ મિથીલેષની 108ની મદદથી સારવાર માટે ગંભીર હાલતમાં સિવિલ લવાયો હતો. જ્યાં 10:10 મિનિટે મૃત જાહેર કરાતા મિત્રો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે સવારે 7:10 મિનિટે સિવિલ લવાયેલા ઇજાગ્રસ્ત મિથીલેષના તબીબી તપાસમાં બન્ને પગ સંપૂર્ણ રીતે કચડાઈ ગયા હતા. સર્જરી અને ઓર્થોમાં રીફર કરાયા બાદ સર્જરી વિભાગના ડોક્ટરોએ પોતાનો અભિપ્રાય આપી મિથીલેષની ઓર્થોમાં રીફર કર્યો હતો. ત્યારબાદ મિથીલેષને સતત એક્સ-રે, સોનોગ્રાફી સહિતના ટેસ્ટ માટે ભટકાવવામાં આવ્યો હતો. આખરે ડોપલર ટેસ્ટ માટે લઈ જવાતા મિથીલેષનું બીપી ઓછું થઈ ગયું હતું.
વધુમાં જણાવ્યું હતું કે બીપી લો થઈ જતા જ મિથીલેષની તાત્કાલિક સ્ટેચર પર દોડીને ટ્રોમાં સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 4 કલાકે દાખલ પેપર કાઢવાનું ડોકટરોને યાદ આવ્યું હતું. મિથીલેષનો દાખલ કેસ પેપર નીકળે એની કેટલીક મિનિટોમાં જ મિથીલેષનું મોત નીપજ્યું હતું. મીઠીલેશના મોત પાછળ ડોક્ટરોની બેજવાબદારી કહી શકાય છે. 4 કલાક સુધી મિથીલેષની વિવિધ ટેસ્ટ માટે દોડાવવામાં આવ્યો, અને કોઈ યોગ્ય સારવાર મળે એ પહેલાં જ મોત નિપજયું એ એક કડવી વાસ્તવિકતા છે. મીઠીલેશના પરિવારમાં માતા-પિતા અને ભાઈ વતન યુપીમાં રહેતા હોવાનું સાથી કર્મચારીઓએ જણાવ્યું હતું.