સુરત: (Surat) શહેરમાં એકરીતે પ્રિમોનસૂન એક્ટિવીટીની શરૂઆત થઈ છે. જેને કારણે ગઈકાલ રાતથી સતત સરેરાશ 20 થી 32 કિમીની ઝડપે પવન (Wind) ફુંકાય છે. આજે પણ શહેરમાં 32 કિમીની ઝડપે પવનો ફુંકાયા હતા.
- શહેરમાં 32 કિમીની ઝડપે પવન ફુંકાયો છતાં ભારે ભેજથી લોકો અકળાયા
- મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળી
- ગઈકાલ રાતથી સરેરાશ 20 થી 32 કિમીની ઝડપે પવનો ફુંકાય છે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ધીમે ધીમે નૈઋત્ય ચોમાસું શરૂ થવા માટેની સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે હજી પણ તાપમાનમાં વધઘટનો સિલસિલો યથાવત છે. આજે મહત્તમ તાપમાન અડધો ડિગ્રી ઘટીને 34.1 ડિગ્રી નોંધાયું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 0.1 ડિગ્રી વધીને 29.5 ડિગ્રી નોંધાયું છે. આ સાથે જ શહેરમાં આજે સરેરાશ 13 કિમીની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો.
દિવસભર ઝડપી પવનો ફુંકાતા ધુળની ડમરીઓએ લોકોને પરેશાન કર્યા હતા. મકાનોની અંદર પણ રેતી અને માટીના કણ ઉડીઉડીને આવતા હતા. શહેરમાં આજે પવનની મહત્તમ ઝડપ 32 કિમીની આસપાસ નોંધાઈ હતી. ગઈકાલ રાતથી સતત 20 થી 32 કિમીની ઝડપે પવનો ફુંકાયા છે. આ સાથે જ આગામી દિવસોમાં ચોમાસા માટેનું અનુકુળ વાતાવરણ તૈયાર થશે. ઝડપી પવનો વચ્ચે પણ ભેજનું પ્રમાણ 70 ટકા રહેતા લોકો અકળાયા હતા. ભારે ભેજથી પવનોની વચ્ચે પણ અકળાવે તેવો પરસેવો પડાવ્યો હતો.