SURAT

બોલો.. સુરતમાં કેટલા કપલ બોક્સ ચાલતા હશે? પોલીસે આટલા તો બંધ કરાવ્યા!

સુરત: (Surat) પાસોદરાની ગ્રીષ્માની હત્યા (Grishma Murder) ઘટનાના પડઘા એવા પડ્યા છે કે પોલીસ (Police) દોડતી થઈ ગઈ છે. આગામી થોડા દિવસો સુધી આંકડાની આ રમત ચાલતી રહેશે. આજે પણ પોલીસે શહેરમાં જાહેરનામા ભંગના કેસ કરવાનું અભિયાન ચાલું રાખ્યું હતું. પોલીસ કમિશ્નરના કડક વલણ બાદ શહેરમાં કુલ 79 કપલ બોક્ષ (Couple Box) બંધ કરી દેવાયા છે. આ સિવાય રેમ્બો છરા લઈને ફરતા 93 કેસ કરીને ટપોરીઓને જેલના પાંજરે પુરાયા હતા.

  • ગ્રીષ્માનો હત્યારો ફેનીલ કપલ બોક્સ ચલાવતો હોવાથી પોલીસનું કપલ બોક્સ સામે અભિયાન
  • ખુદ પો.કમિ.એ મેદાને આવીને કામગીરી કરવી પડી, રેમ્બો છરો લઈને ફરતાં 93 પકડાયા
  • 441 સ્મોકિંગ ઝોન, 495 પાનના ગલ્લા અને 73 સ્પા પાર્લરમાં ચેકિંગ હાથ ધરાયું

ગ્રીષ્માની જાહેરમાં ચપ્પુ વડે એક તરફી પ્રેમમાં હત્યાની ઘટનાએ સૌ કોઈને હચમચાવી નાખ્યા છે. આ ઘટના બાદ રાજ્ય સરકારે પોલીસ કમિશનરને કાયદો વ્યવસ્થા બાબતે કડક વલણ ઇખ્તયાર કરવા સૂચના આપતા પોલીસ કમિશન અજયકુમાર તોમરે ખૂદ મેદાનમાં ઉતરવું પડ્યું છે. અજય તોમર બે દિવસથી જાતે શહેરમાં ફુટમાર્ચ પેટ્રોલીંગ કરી રહ્યા છે. પોલીસ કમિશનર દ્વારા આજે એક પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી હતી કે, પોલીસે છેલ્લા ત્રણેક દિવસમાં શહેરમાં કુલ 79 કપલ બોક્ષ બંધ કરાવ્યા છે.

આ સિવાય રેમ્બો છરો અને ચપ્પુ લઈને ફરતા 93 લોકોની સામે કાર્યવાહી કરી છે. છેલ્લા અઠવાડિયામાં શહેરમાં 13599 વાહનોનું ચેકીંગ કરાયું છે. 21.70 લાખ રૂપિયા સ્થળ દંડ વસૂલાયો છે. 86 ધાબા પર ચેકીંગ કરાયું છે. જાહેરમાં સ્મોકીંગના 441 કેશ કરીને 88200 રૂપિયા દંડ વસૂલાયો છે. 49 સ્મોક ઝોન અને 73 સ્પા પાર્લરમાં ચેકીંગ હાથ ધરાયું છે. જાહેરનામા ભંગના 17 કેસ કરાયા અને 495 પાનના ગલ્લા ચેક કરાયા છે.

વીઆર મોલ પાસે જાહેરમાં બિભત્સ ચેનચાળા કરતો યુવક ઝડપાયો
સુરતની ઉમરા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી ત્યારે વીઆર મોલના સર્કલ પાસે એક વ્યક્તિ જાહેરમાં ઉભો રહીને મહિલાઓને જોઈને બિભત્સ ચેનચાળા કરતો હતો. પોલીસે વોચ રાખીને આ વ્યક્તિને પકડી પાડી તેનું નામ પુછતા તેને હાર્દિક કિરીટભાઈ પારેખ (ઉ.વ.30, રહે.જય અંબે અર્જુન કોમ્પલેક્ષની સામે, ભટાર) હોવાનું જણાવ્યું હતું. આ યુવક મોલ પાસે આવેલા વાય જંક્શન પાસે ઉભો રહીને આવતી જતી મહિલાઓને જોઈને ઇશારા કરી છેડતી કરતો હતો. હાલ શહેરમાં પો.કમિ.એ જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ પોલીસની સઘન પેટ્રોલિંગ દરમિયાન તે ઝડપાયો હતો. ઉમરા પોલીસે તેની સામે ગુનો દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top