સુરત: સ્વચ્છતામાં પ્રથમ નંબર મળ્યા બાદ સુરત શહેરને વધુ એક એવોર્ડ મળ્યો છે. સુરત શહેરને નિર્મળ ગુજરાત 2.0 સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ મુખ્યમંત્રીએ પુરસ્કાર એનાયત કર્યો હતો. આ એવોર્ડ ગાંધીનગર ખાતે અપાયો હતો.
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજે રાજ્ય સ્તરે નિર્મળ ગુજરાત એવોર્ડ સમારોહ અને સ્વચ્છ ભારત મિશન એવોર્ડ ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના ચીફ સેક્રેટરી પંકજ જોષી, પ્રિન્સીપલ સેક્રેટરી અર્બન ડેવલપમેન્ટ અને હાઉસિંગ એમ. થેન્નારસન તથા સ્વચ્છ ભારત મિશનના મિશન ડિરેક્ટર નાગરાજન ઉપસ્થિત રહ્યા હતા. જેમા સુરત શહેરને નિર્મળ ગુજરાત 2.0 સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ મુખ્યમંત્રીએ પુરસ્કાર એનાયત કર્યો હતો.
આ સાથે સુરત મહાનગરપાલિકાને રૂપિયા 1.5 કરોડનો ચેક પણ આપવામાં આવ્યો હતો. સુરતે અગાઉ સ્વચ્છ સર્વેક્ષણ 2024 માં સુપર સ્વચ્છ લીગ સિટીમાં પણ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. હવે નિર્મળ ગુજરાત એવોર્ડમાં પણ શ્રેષ્ઠતા હાંસલ કરી છે. કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી, મ્યુનિ. કમિશ્નર શાલિની અગ્રવાલ, ડેપ્યુટી મેયર નરેન્દ્ર પટેલ, આરોગ્ય સમિતિ અધ્યક્ષ નેન્સીબેન શાહ, ડેપ્યુટી કમિશ્નર દિનેશ ગુરવ તથા આરોગ્ય અધિકારી ડૉ. પ્રદીપ ઉમરીગર હાજર રહ્યા હતા. સુરતની શ્રેષ્ઠ પ્રેક્ટિસીસનું પ્રેઝન્ટેશન ડેપ્યુટી કમિશ્નર દિનેશ ગુરવ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.