સ્વચ્છ સવક્ષેણ 2024માં સુરત શહેરે સમગ્ર ભારતમાં સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરીને નવો ઈતિહાસ રચ્યો છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024 માં સુરત શહેરે સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે. ભારતના સૌથી સ્વચ્છ શહેરે તરીકે, સુરત શહેરે “સુપર સ્વચ્છ લીગ” માં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
સ્વચ્છ સર્વેક્ષણ 2024ના દિશાનિર્દેશો મુજબ અન્ય શહેરોને પ્રેરણા આપવા માટે “સુપર સ્વચ્છ લીગ” નામની નવી શ્રેણીની શરૂઆત કરવામાં આવી છે, જે પરંપરાગત રેન્કિંગ કરતાં વધુ મહત્વ ધરાવે છે.
દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે 17 જુલાઈ 2025ના રોજ આયોજિત સ્વચ્છ ભારત મિશનના વિશેષ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના ઉત્તમ સ્વચ્છતા કાર્ય માટે માનનીય રાષ્ટ્રપતિએ એવોર્ડ એનાયત કર્યો. માનનીય રાષ્ટ્રપતિએ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ મવાણી અને કમિશ્નર શાલિની અગ્રવાલ IASને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કર્યા.
સ્વચ્છ સર્વેક્ષણ 2023માં સુરત શહેરે ઈન્દોર સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વર્ષ 2021 અને 2022ના સ્વચ્છ સર્વેક્ષણમાં સુરતે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
સુપર સ્વચ્છ લીગમાં તેવા શહેરોને સામેલ કરવામાં આવ્યા છે, જેઓએ છેલ્લા ત્રણ સર્વેક્ષણમાંથી ઓછામાં ઓછા બે વખત ટોચના ત્રણમાં સ્થાન મેળવ્યું હોય.આ શ્રેણીમાં દેશભરના કુલ 12 શહેરોને વસ્તી આધારિત પાંચ વર્ગોમાં વહેંચી પસંદ કરવામાં આવ્યા હતા. સુપર સ્વચ્છ લીગમાં દસ લાખથી વધુ વસ્તીવાળા શહેરોની શ્રેણીમાં સુરતએ સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદનો ડંકો
સુરત ઉપરાંત રાજ્યના અન્ય એક શહેરનો સ્વચ્છતાના સર્વેક્ષણમાં ડંકો વાગ્યો છે. 10 લાખથી વધુ વસતી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદે બાજી મારી છે. વર્ષ 2015માં અમદાવાદનો નંબર 15 હતો, જે આ વર્ષે પ્રથમ નંબરે પહોંચી ગયું છે.
એવોર્ડમાં ગુજરાતના 3 શહેરનો સમાવશે
સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં ગુજરાતના ત્રણ શહેરોએ એવોર્ડ મેળવ્યો છે, જેમાં અમદાવાદ, સુરત અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. રાજકોટનો રેન્ક પણ સુધર્યો છે. તે 29માં ક્રમથી 19માં ક્રમે પહોંચ્યું છે.
આ વર્ષે ચાર કેટેગરીમાં એવોર્ડ અપાયા
સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં આ વર્ષે ચાર કેટેગરીમાં એવોર્ડ અપાયા છે. જેમાં સુપર સ્વચ્છ લીગ શહેરો, વસતી મુજબ 5 ટોચના શહેરો જેમાંથી 3 સ્વચ્છ શહેરની પસંદગી, સ્પેશ્યિલ કેટેગરી જેમાં ગંગા શહેર, કેન્ટોનમેન્ટ બોર્ડ, સફાઈ મિત્ર સુરક્ષા, મહાકુંભ જ્યારે રાજ્ય સ્તરનો એવોર્ડ જેમાં રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશનું વચન આપતું સ્વચ્છ શહેરનો સમાવેશ થાય છે. ઉપરાંત આ વખતે પહેલીવાર વસતીના આધારે શહેરોને વર્ગીકૃત કરાયા હતા.
સૌથી સ્વચ્છ શહેર
એક લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં ઈન્દોર પહેલું, સુરત બીજું અને નવી મુંબઈ ત્રીજા ક્રમે રહ્યું છે. એક લાખથી ઓછી વસતી ધરાવતા શહેરોમાં મહારાષ્ટ્રનું સાસવડ, છત્તીસગઢનું પાટન અને મહારાષ્ટ્રના લોનાવાલાએ બાજી મારી છે. એમપીનું મહુ એ સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ જાહેર થયું છે.
સફાઈકર્મીઓનું મોઢું મીઠું કરાવાયું
સ્વચ્છતામાં દેશભરમાં વધુ એકવાર સુરત સર્વશ્રેષ્ઠ સાબિત થયું છે, ત્યારે આજે સુરત મનપામાં પદાધિકારીઓ દ્વારા તેની ઉજવણી કરાઈ હતી. શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે સફાઈકર્મીઓનું મોંઢું મીઠું કરાવ્યું હતું.