SURAT

સુરત રેન્જ IGએ લીધો એવો નિર્ણય કે જેનાથી મિલો કે કારખાનામાં કામ કરતા દંપતીઓને હાશ થશે

પલસાણા: (Palsana) પલસાણાના જોળવામાં રેપ વિથ મર્ડર (Murder) બાદ માતાપિતા બાળકો પોતાની રૂમમાં બંધ કરીને જતા રહે છે. જેના પગલે બાળકનું બાળપણ છીનવાતું નજરે ચડે છે. ત્યારે આ મામલે સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયને બાળકોની સંભાળ તેમજ બાળકનું બાળપણ છીનવાય ન જાય એ માટે ડે-કેર સેન્ટર (Day Care Center) બનાવવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મિલોમાં કામ કરતા પરપ્રાંતીય દંપતીઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે.

  • જોળવાની ઘટના બાદ રેન્જ આઇજીનો બાળકોની સંભાળ માટે ડે કેર બનાવવાનો નિર્ણય
  • રેન્જ આઇજીનો નિર્ણય મિલોમાં કામ કરતા પરપ્રાંતીય દંપતીઓ માટે આશીર્વાદરૂપ

સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનના માર્ગદર્શન હેઠળ શુક્રવારે પલસાણા પોલીસ જોળવા ખાતે ડે કેર માટેની તૈયારીમાં જોતરાયા છે. પલસાણા પોલીસમથકના PSI સી.એમ.ગઢવી તેમજ પોલીસ સ્ટાફ સાથોસાથ જોળવા ગ્રામ પંચાયતના આગેવાનો મહેશ દેસાઈ તેમજ અમરેલી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સહિતના લોકો ડે કેર માટેની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે. મિલો તેમજ કંપનીઓમાં પરપ્રાંતીય દંપતીઓને પોતાના બાળકને રેઢું ન મૂકવું પડે અને પોલીસ તેમજ અન્ય સુરક્ષાની નજર હેઠળ રહે, બાળક સહી સલામત રહે એ માટે પ્રથમ ચરણની તૈયારી કરી છે.

પોલીસ બાળકોનું ધ્યાન રાખશે કે ગુનાખોરી ન વધે તેના ઉપર રાખશે?
જો ખરેખર જોવા જઇએ તો આ તમામ સુવિધાઓ હાલ પોલીસ કરી રહી છે. પરંતુ આ તમામ દેખરેખની જવાબદારી મિલ તેમજ કંપની માલિકો લેશે તો પોલીસ માટે સરળતા ઊભી થશે તેમજ પોલીસ ગુનાખોરી ન વધે એ ઉપર પૂરતું ધ્યાન આપી શકશે તે વાત ચોક્કસપણે નકારી શકાય નહીં.

બાળપણ ન છીનવાય એ માટે પોલીસે જવાબદારી લીધી
બાળક આવતીકાલનું ભવિષ્ય છે. જો બાળપણ છીનવાય જશે તો આવતીકાલનું શું થશે ? એવી ચિંતા પણ પોલીસે વ્યક્ત કરતાં બાળપણની ચિંતા અંગેના એક પ્રથમ ચરણની તૈયારી શરૂ કરી છે.

Most Popular

To Top