સુરત: સુરતના(Surat) રસ્તા પર આજે મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ છે. અહીં રસ્તા પર દોડતી એક સિટી બસમાં આગ (City Bus Fire) લાગી હતી. આગ લાગી ત્યારે બસમાં ખીચોખીચ મુસાફરો ભરેલા હતા. સમયસર મુસાફરો નીચે ઉતરી ગયા હોવાના લીધે મોટી દુર્ઘટના ટળી હતી. આગ એટલી ભયંકર હતી કે મિનીટોમાં જ આખી બસ બળીને ખાક થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે આગ કેટલીક ભયંકર હતી.
સુરત શહેરમાં આજે સોમવારે સવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીંના ગોડાદરા વિસ્તારમાં પેસેન્જરોને લઈને રસ્તા પર દોડતી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મનપા સંચાલિત સિટી બસ નં. જીજે-05-બીએક્સ-3225 આજે સવારે તેના નિર્ધારિત સમયે ગોડાદરાથી ચોકબજાર જઈ રહી હતી ત્યારે બસમાં આગ લાગી હતી. એકાએક ધુમાડા અને જ્વાળાઓ ઉઠવા માંડતા પેસેન્જરો ગભરાયા હતા. ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક રસ્તાની વચ્ચે જ બસ અટકાવી દીધી હતી અને ફટાફટ પેસેન્જરોને નીચે ઉતારી દીધા હતા. જોત જોતામાં આખી બસ બળીને ખાક થઈ ગઈ હતી. આગના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. મુસાફરો ગભરાઈને બસથી દૂર દોડી જઈ ઉભા રહી ગયા હતા.
જો ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી નહીં હોત તો કદાચ ખૂબ મોટી દુર્ઘટના સુરતના રસ્તા પર આજે બની હોત. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ સુરતના ડિંડોલી વિસ્તારની ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી.
જોકે, ત્યાં સુધીમાં બસનો મોટા ભાગનો હિસ્સો બળી ગયો હતો. પ્રાથમિક તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે શોર્ટ સર્કિટના લીધે આ આગ લાગી હતી. આ બસ ગોડાદરાથી ચોક બજાર જઈ રહી હતી. સોમવારનો દિવસ અને સવારનો સમય હોવાથી બસમાં ખાસ્સી ભીડ હતી. કોઈ જાનહાનિ નહીં થતાં તંત્ર અને મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.
શોર્ટ સર્કિટના લીધે બસમાં આગ લાગી
આગનો કોલ મળતા જ ડિંડોલી ફાયર બ્રિગેડના કાફલાએ ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ડ્રાઈવર સાથે વાતચીત કર્યા બાદ આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું બહાર આવ્યું છે. હાલ તપાસ ચાલી રહી છે.