સુરત: (Surat) મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટે બાયલેટરલ એરક્રાફ્ટ એગ્રીમેન્ટ હેઠળ પોઇન્ટ ઓફ કોલ જાહેર કર્યા છે. જેમાં અમેરિકા અને બ્રિટન (America and Britain) સાથે જે પોઇન્ટ ઓફ કોલની જાહેરાત થઈ છે તે મુજબ આ બે દેશોની એરલાઇન્સ (Airlines) અને ભારતીય એરલાઇન્સ કંપનીઓ દેશના કોઈપણ શહેરોથી વિમાન સેવા શરૂ કરી શકે છે.
- રનવેની ફુલફ્લેજ સેવા ઊભી થાય તો અમેરિકા અને બ્રિટનના શહેરોને સુરતથી કનેક્ટ કરતી ફ્લાઈટ શરૂ થઈ શકે
- વેસુ અને ડુમસ તરફના રનવે તરફ ફુલફલેજ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ અને એપ્રોચ લાઇટની સુવિધાની જરૂરીયાત
- જો આ તમામ સુવિધા ઊભી થાય તો વિદેશથી આવતા વાઈડ બોડી એરક્રાફ્ટ ઉતરી શકે તેમ છે
- ભારત સરકારે જાહેર કરેલા નવા બાય લેટરલ કરાર મુજબ પોઇન્ટ ઓફ કોલ જાહેર કરાયા
ભારત સરકારે દ્વિ-પક્ષીય હવાઈ સેવા કરારની યાદી બહાર પાડી છે. તેમાં US અને UK કેરિયર્સ ભારતની અંદરના કોઈપણ એરપોર્ટ પર ઉદાન સેવા શરૂ કરી શકે છે. જો સુરત એરપોર્ટ પર જમીનનો પ્રશ્ન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા સુધારવામાં આવે તો સુરતથી અમેરિકા અને બ્રિટનના મોટા શહેરોની વિમાન સેવા શરૂ થઈ શકે છે. જો પ્રારંભિક તબકકે 63 હેક્ટર જમીન સુરત એરપોર્ટને મળે અને જો વેસુ અને ડુમસ તરફના રનવે તરફ ફુલફલેજ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ અને એપ્રોચ લાઇટની સુવિધા ઊભી થાય તો જ વાઈડ બોડી એરક્રાફ્ટ ઉતરી શકે તેમ છે. અત્યારે માત્ર રનવે પર ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ લાગેલી છે. જે મોડર્ન ટેકનોલોજીથી અપગ્રેડ ન હોવાથી ધુમ્મસ ભર્યા વાતાવરણમાં ઓછી વિઝીબિલિટીને લીધે ડોમેસ્ટિક એરલાઇન્સના વિમાનો પણ લેન્ડિંગ થઈ શકતા નથી.મોટા ભાગે અમદાવાદ વડોદરા ડાયવર્ટ કરવા પડે છે.
બાયલેટરલ એગ્રીમેન્ટ માટે સુરતની લાંબા સમયથી માંગ હતી. ઉડ્ડયન મંત્રી હરદીપ પુરી અને ઉડ્ડયન સચિવ પ્રદીપ સિંહ ખારોલાની વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રૂપ સાથેની બેઠક અને બાય-લેટરલમાં સુરતનો સમાવેશ કરવાની માગણી કંઈક અંશે સંતોષાઈ છે પણ વેસુ રનવે તરફ 1905 મીટરના રનવે પૈકી 615 મીટરનો રનવે વિમાનોના લેન્ડિંગ માટે પ્રતિબંધિત હોવાથી વાઈડ બોડી એરક્રાફ્ટ ઓબ્સટેકલને લીધે 2290 મીટરના રનવે પર લેન્ડિંગ માટે જોખમ લેવા માંગતા નથી. આ જોતા અમેરિકા લંડનની ફ્લાઈટની આશા આ નિર્ણયથી બંધાઈ છે પણ ત્વરિત એનો લાભ નહીં મળે. એ માટે સુરત એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સુધારાની રાહ જોવી પડશે. અગાઉ એમીરાત એરલાઇન્સના અધિકરીઓએ સુરતની મુલાકાત વખતે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે સરકાર બાય લેટરલ કરાર યુએઈ સાથે કરે તો ફ્લાય દુબઈના 189 અને 230 બેઠકો વાળા વિમાનો સુરત આવી શકે છે.