આગામી સપ્તાહમાં જન સંખ્યા દિવસ(વર્લ્ડ પોપ્યુલેશન ડે )આવી રહ્યો છે ત્યારે સુરતની વસ્તી જે રીતે વધી રહી છે તે બાબત ખૂબ જ ચોંકાવનારી છે. બે વર્ષથી કોરોનાકાળ ચાલતો હોવાથી વસ્તી ગણતરી થઇ શકી નથી પરંતુ 2011માં જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્યારે સુરતની વસ્તીમાં 10 જ વર્ષના ગાળામાં 55 ટકાનો ધરખમ વધારો થયો હોવાનું SMCએ સત્તાવાર રીતે જાહેર કર્યું હતું. 2011માં જ્યારે સુરતની વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્યારે શહેરની જનસંખ્યા 44.66 લાખ હતી. 2021ની વસ્તી ગણતરી માટે પણ SMCએ તૈયારી શરૂ કરી દીધી હતી. હાલ 66.37 લાખની અંદાજીત વસ્તીને ધ્યાને રાખીને 101 સેન્સસ વોર્ડ અને 11 હજાર વસ્તી ગણતરી બ્લોક તૈયાર કરાયા હતા.
વસ્તી ગણતરી 1 માર્ચ 2021થી શરૂ થવાની હતી અને તેના માટે 15 હજારથી વધુ કર્મચારીઓની તાલિમ પણ શરૂ થઇ ગઇ હતી. જો કે ત્યાર બાદ કોરોના શરૂ થઇ ગયો અને કામગીરી ખોરંભે ચઢી ગઇ હતી. હવે જ્યારે પણ વસ્તી ગણતરી થશે ત્યારે સુરતની વસ્તીમાં તો વધારો જોવા મળશે જ પરંતુ હવે શહેરમાં કેટલાંક નવા વિસ્તારો પણ ઉમેરાયા છે તેમની જનસંખ્યા પણ વસ્તી ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે. આગામી વસ્તી ગણતરીમાં કુલ ક્ષેત્રફળ-326.515 ચો.કિ.મી॰ તેમજ આઉટગ્રોથ વિસ્તાર માટે કામરેજના 3 ગામ અને ચોર્યાસીના 10 ગામ મળી 13 ગામોનો સમાવેશ કરાયો છે. દર વર્ષે 11 જુલાઇએ વસ્તી ગણતરી દિવસ હોય છે. જનસંખ્યાને નિયંત્રિત કરવાના ઉદેશ્યથી 1989માં પહેલી વાર વિશ્વ જનસંખ્યા દિવસની શરૂઆત થઈ હતી. ચાલો આપણે સુરતની વસ્તી કુદકેને ભૂસકે કેમ વધી રહી છે? સુરત ની વસ્તીની દેશના અન્ય રાજયોની સરખામણીમાં પ્રવર્તમાન સ્થિતિ શું છે તેના વિષે થોડું જાણીએ.
આ કારણસર સુરત મિની ભારત તરીકે ઓળખાય છે
સુરત એવું શહેર છે કે, અહીં રોજી રોટી ઝડપથી મળી જાય છે. આ જ કારણસર અહીં રોજે રોજ જુદા જુદા સ્થળેથી લોકો આવીને સ્થાયી થઇ જાય છે. જેના કારણે સુરતની વસ્તીમાં સતત વધારો થતો રહે છે. સુરતમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ જેવા મોટા રાજ્યમાંથી તો લોકો આવીને વસ્યા જ છે પરંતુ, આસામ, મણીપુર જેવા પૂર્વોત્તરના રાજ્યો તેમજ કેરળ અને તામિલનાડુ જેવા દક્ષિણ રાજ્યોના લોકો પણ રહે છે. આ જ કારણ છે કે, સુરતને મિની ભારત તરીકે પણ ઓળખવામાં આવે છે. વળી, ગુજરાતનો કોઇ જિલ્લો એવો નહીં હોય કે જ્યાંના લોકો સુરતમાં મોટી સંખ્યામાં નહીં હોય. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના લોકો વરાછા, કાપોદ્રા અને કતારગામ વિસ્તારમાં મોટા પાયે સ્થાયી થયા છે તો મધ્ય ગુજરાતના ચરોતરના લોકો લાલ દરવાજાથી લઇને અમરોલી સુધી પથરાયેલા છે. તેવી જ રીતે મહેસાણાના લોકોએ બમરોલી અને પાંડેસરા તેમજ ડિંડોલી ખાતે રહેવા ઉપર પસંદગી ઉતારી છે.
દેશના આ પાંચ રાજ્યો કરતાં પણ સુરતની જનસંખ્યા વધારે
રાજ્ય જનસંખ્યા
ગોવા 15,21,992
મણિપુર 34,36,948
ત્રિપુરા 41,84,959
અરૂણાચલ પ્રદેશ 17,11,947
મેઘાલય 37,72,103
દુનિયાનાં આ દેશોની વસ્તી સુરત કરતા પણ ઓછી
દેશ જનસંખ્યા
ન્યૂઝીલેન્ડ 47,83,063
પનામા 42,46,439
બોત્સવાના 23,03,697
સ્લોવેકિયા 20,78,654
બહેરીન 16,41,172