સુરત: (Surat) સમૃદ્ધ જીવન કંપનીના (Samruddh jivan company) નામે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવવાના કેસમાં સુરત સીઆઇડી (CID) ક્રાઇમે મહિલા સહિત ત્રણની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી. આ ત્રણેયને કોર્ટમાં (Court) રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવતા કોર્ટે ત્રણેયના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ કેસની વિગત મુજબ મહારાષ્ટ્રના પુનામાં રહેતો મહેશ મોતેવાર તેમજ તેની અન્ય ઇસમોએ સને-2002માં સમૃદ્ધ જીવન સોસાયટીના નામે કંપની શરૂ કરી હતી. સમૃદ્ધ જીવનના નામે અલગ અલગ 40 થી વધુ કંપનીઓ શરૂ કરવામાં આવી હતી. જેમાં હોટેલ, રેસ્ટોરન્ટ, ટ્રાવેલ્સ, પોન્જી સ્કીમ, વીમા સહિતની લોભામણી લાલચો આપવામાં આવી હતી. આરોપીઓએ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટી પર્પઝ કો.ઓ. હાઉસીંગ સોસાયટી લીમીટેડની રચના કરીને તેની મુખ્ય ઓફિસ પુણે મહારાષ્ટ્રમાં શરૂ કરી હતી અને તેની દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં 40 થી વધુ બ્રાન્ચો શરૂ કરવામાં આવી હતી. આ સોસાયટીમાં એક વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ, સાડા પાંચ વર્ષ અને છ વર્ષ એવી રીતે અલગ અલગસ્કીમો રાખવામાં આવી હતી.
રોકાણકારોને દર મહિને, ફિક્સ ડિપોઝીટ, વન ટાઇમ રોકાણ, વાર્ષિક રોકાણ તેમજ ગોટ, બફેલો તેમજ પીગ્મી સ્કીમ હેઠલ રૂા. 3.91 કરોડનું રોકાણ કરાવ્યું હતું. વીમાની રકમ પાકે તે પહેલા જ કંપની બંધ કરી દેવામાં આવી હતી. સ્કીમ બાદ રોકાણકારોને એડવાન્સમાં ચેક આપવામાં આવ્યા હતા અને એગ્રીમેન્ટ પણ કરાયા હતા. ત્યારબાદ રાતોરાત ઓફિસ બંધ કરીને આરોપી મહેશ મોતેવાર સહિતની ટોળકી ફરાર થઇ ગઇ હતી. જેને લઇને સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને નિવૃત જીવન જીવતા ભુપેન્દ્ર પટેલે ફરિયાદ કરી હતી.
આ ફરિયાદમાં સુરત સીઆઇડી ક્રાઇમે મહારાષ્ટ્રની જેલથી પુનાના કાટરેજ નવલે બ્રિજ પાસે રોયલ ઓર્ચિડ સોસાયટીમાં રહેતો પ્રસાદ પ્રકાશ છિદ્રવાર, મહારાષ્ટ્રના સોલાપુરામાં અભીમાન શ્રીજીનગરમાં રહેતો રાજેન્દ્ર પાંડુરંગ ભંડારે તેમજ પુનાની ધનકવડી વિસ્તારમાં ઉર્મિલા સોસાયટીમાં રહેતી સુવર્ણા રમેશ કિશન મોતેવારની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેયને સુરતની કોર્ટમાં લાવીને પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. સરકારી વકીલ દિપેશ દવેએ દલીલો કરીને આરોપીના રિમાન્ડ આપવા કહ્યું હતું. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ત્રણેય આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.