સુરત: (Surat) છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે વિશ્વભરમાં ભયનો માહોલ હતો. હાલ થોડા મહિનાઓથી કોરોનાના (Corona) કેસ ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ચીનમાં સતત વધી રહેલા કોરોનાના કેસના લીધે ફરી તંત્રની ચિંતા વધી છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. ત્યારે સુરત મનપાનુ આરોગ્ય વિભાગ (Health Department) પણ એલર્ટ થઈ ચુક્યું છે. શહેરમાં જે પણ લોકોને કોરોનાના કોઈ પણ લક્ષણો જણાય તો તેઓ ટેસ્ટ કરાવે અને ટેસ્ટમાં જેઓના રિપોર્ટ પોઝિટિવ આવશે તે જીનોમ સિકવ્ન્સીંગ માટે મોકલાશે તેમ હાલ જણાવાયું છે. તેમજ તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા આવતા અઠવાડિયામાં શહેરના તમામ પ્રાઈવેટ પ્રેક્ટીશનર ડોક્ટરો (Private Practitioner Doctors) સાથે મીટીંગ પણ યોજવામાં આવી છે.
- છેલ્લા 7 દિવસમાં કોરોનાના એક પણ કેસ શહેરમાં નોંધાયા નથી
- સુરત મનપા પ્રાઈવેટ પ્રેક્ટીશનર ડોક્ટરો સાથે મીટીંગ કરશે
- ચીનમાં સંક્રમણ વધતા પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ જીનોમ સિકવન્સીંગ માટે મોકલાશે
- ચીનમાં સતત વધી રહેલા કોરોનાના કેસના લીધે ફરી તંત્રની ચિંતા વધી
શહેરમાં છેલ્લા ઘણા મહિનાઓથી કોરોનાના કેસ નહિવત પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે. છેલ્લા 1 અઠવાડિયામાં શહેરમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ હાલ ચીનમાં જે પરિસ્થિતિ છે તે જોતા ભારતમાં પણ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આગામી દિવસોમાં કોરોના સંક્રમણની ભીતિને ધ્યાને રાખી જેઓને પણ શરદી- ખાંસી કે તાવ આવતો તો તેવા દર્દીઓએ કોરોનાનો રિપોર્ટ કઢાવવાની સાથે-સાથે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. આ સાથે સાથે સુરતીઓને કોરોનાના નવા વેરિએન્ટ પગલે તકેદારી રાખવા અંગે અપીલ કરવામાં આવી છે. પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ જીનોમ સીકવન્સીંગ માટે મોકલાશે જેથી વેરીયન્ટની તપાસ કરી શકાય. બીજી તરફ તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા આવતા અઠવાડિયામાં શહેરના તમામ પ્રાઈવેટ પ્રેક્ટીશનર ડોક્ટરો સાથે મીટીંગ પણ યોજવામાં આવી છે.
શહેરમાં તમામ હેલ્થ સેન્ટર પર ટેસ્ટીંગ અને વેક્સીનેશન ચાલુ છે
સુરત મનપા સંચાલિત શહેરના તમામ હેલ્થ સેન્ટર પર વેક્સીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જેઓને કોરોનાની વે્ક્સીન લેવાની બાકી હોય તેઓ વેક્સીન લઈ શકશે. સાથે સાથે ટેસ્ટીંગની કામગીરી પણ ચાલુ જ છે જેથી જેઓને પણ કોરોનાના લક્ષણો જણાય તેઓ હેલ્થ સેન્ટર પર જઈ તાકીદે ટેસ્ટીંગ કરાવી શકશે.