SURAT

લો બોલો.. સુરતમાં ત્રણ બાળકો ઘરે કોઈને કહ્યા વગર ટ્રેનમાં બેસી મુંબઈ ફરવા નીકળી ગયા

સુરત: (Surat) પાંડેસરા વિસ્તારમાં શિવનગર સોસાયટીમાં રહેતા ત્રણ બાળકો (Children) ઘરે કોઈને કહ્યા વગર ગઈકાલે સુરત સ્ટેશનેથી ટ્રેનમાં બેસીને મુંબઈ ફરવા ઉપડી ગયા હતા. પરિવારે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બાળકોના અપહરણની ફરિયાદ નોંધાવ્યા બાદ એક બાળક મુંબઈ (Mumbai) સ્ટેશને આરપીએફની ઝપેટમાં આવતા પકડાઈ ગયો હતો. અન્ય બે બાળકો પણ મુંબઈમાંથી પકડાઈ જતા પોલીસની ટીમ (Police Team) તેમને લેવા પહોંચી ગઈ હતી.

  • ગુમ બાળકોની શોધખોળ બાદ પરિવારે પોલીસ સ્ટેશન પહોંચી અપહરણની ફરિયાદ નોંધાવી
  • એક બાળક માટુંગા સ્ટેશન તો બીજા બે બોઈસર આગળથી મળ્યા, આરપીએફે બાળકોને પકડી રાખ્યા

પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે શિવનગર સોસાયટીમાં રહેતો દિપક મનોજભાઈ પાલ (ઉ.વ.10), દિનેશ દિગમ્બર પાટીલ (ઉ.વ.10) અને વિશાલ માગવડકર (ઉ.વ.13) ત્રણેય બાળકો અડોશ પડોશમાં રહે છે. ગઈકાલે ઘરે કોઇને જાણ કર્યા વગર જ નીકળી ગયા હતા. પરિવારનું ધ્યાન જતાં બાળકોની શોધખોળ કરતા કોઈ પત્તો મળ્યો નહોતો. ત્રણેય સંતાનોના માતા-પિતા અંતે પાંડેસરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પાંડેસરા પોલીસે ત્રણ બાળકો ગુમ થયાની બાબત ગંભીરતાથી લઈ અપહરણનો ગુનો દાખલ કરી અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી. મોડી સાંજે ત્રણ પૈકી એક દસ વર્ષનો બાળક મુંબઈ માટુંગા ખાતે આરપીએફના ઝપટે આવ્યો હતો. બાળકે પોતે સુરતથી આવ્યો હોવાનું કહેતા આરપીએફે સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો. એટલે મોડી રાત્રે જ પાંડેસરા પોલીસની એક ટીમ મુંબઈ પહોંચી ગઈ હતી. અને બાળકને લઈને આવી હતી. બાળકની પુછપરછ કરતા તે બંને મિત્રો સાથે મુંબઈ ફરવા માટે ગયા હોવાનું રટણ કરી રહ્યો હતો.

બીજા બે બાળકો બોઈસર સ્ટેશનની આગળ આરપીએફની ઝપેટમાં આવ્યા
ઘરેથી મુંબઈ ફરવા નીકળેલા ત્રણેય બાળકો પૈકી દિપક અને દિનેશ ટ્યુશનમાં અભ્યાસ કરે છે. જ્યારે વિશાલ ધોરણ-6 માં અભ્યાસ કરે છે. ત્રણેય પૈકી કોઈ એક બાળકના હાથમાં 1500 રૂપિયા આવી જતા તેઓ ઘરેથી મુંબઈ ફરવા ઉપડી ગયા હતા. રીક્ષામાં સુરત સ્ટેશને પહોંચ્યા હતા. સ્ટેશન પર એક બાળક વડાપાવ ખાવા માટે ઉભો રહ્યો એટલી વારમાં બે મિત્રો મુંબઈ આગળ નીકળી ગયા હતા. બાદમાં એક બાળક બીજી ટ્રેનમાં પહોંચ્યો હતો. બીજા બે બાળકોને લેવા માટે પોલીસની વધુ એક ટીમ મુંબઈ પહોંચી હતી.

Most Popular

To Top