SURAT

પાંડેસરામાં બે બાળકોની નામકરણ વિધી થાય તે પહેલા અંતિમવિધી કરવી પડી

સુરત: (Surat) ભેસ્તાન-પાંડેસરા વિસ્તારમાં ત્રણ બાળકોનાં (Child) શંકાસ્પદ મોત નીપજ્યાં છે. પહેલા કિસ્સામાં 3 દિવસનું બાળક ધાવણ કરી ઊંઘી ગયા બાદ સવારે ઉઠ્યું જ ન હતું. તેવી જ રીતે પાંડેસરામાં જ એક 10 દિવસની બાળકી રાત્રે દૂધ પીને ઉંઘી ગઇ હતી તે પણ સવારે ઉઠી જ ન હતી. આ બંનેની નામકરણ વિધી બાકી હતી તે પહેલા જ અંતિમવિધી કરવી પડી હતી. તો ત્રીજો બનાવ ભેસ્તાનમાં બન્યો હતો. અહીં 2 વર્ષની બાળકી રાત સુધી હસતી રમતી હતી. પરંતુ સવારે રહસ્યમય રીતે તે મોતને ભેટી હતી.

  • પાંડેસરામાં બે દિવસનું બાળક અને દસ દિવસની બાળકી તેમજ ભેસ્તાનની બે વર્ષની બાળકી સવારે ઉઠી જ ન શકી
  • પાંડેસરા અને ભેસ્તાનમાં ત્રણ બાળકોના રહસ્યમય મોત

કેસ નંબર 1 : સ્થળ : પાંડેસરા શાંતિનીકેતન
મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરના ખાતે રહેતા સુનીલ યાદવ ખેતીકામ કરી પરિવારનું ભરણપોષણ કરે છે. તેમનાં પત્ની લક્ષ્મીબેને પાંડેસરાની શાંતિનીકેતન સોસાયટી ખાતે આવેલા પિયરમાં ગુરુવારે પુત્રને જન્મ આપ્યો હતો. શનિવારે રાત્રે માતાએ તેને ધાવણ આપ્યું હતું ત્યારબાદ તે ઊંઘી ગયો હતો. જો કે સવારે અચાનક જ તેણે હલનચલન બંધ કરી દેતા નજીકમાં દવાખાનું ધરાવતા તબીબને બોલાવવામાં આવ્યા હતાં. તેણે બાળકને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની સલાહ અપી હતી. જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.

કેસ નંબર 2 : સ્થળ : પાંડેસરા ગણેશનગર
મૂળ બિહારના નરપતિ નગરના મિથિલેશકુમાર હાલમાં પાંડેસરા સ્થિતિ ગણેશનગરમાં રહે છે. તેમના પત્ની ઉષા દેવીએ 2 ઓગસ્ટે નવી સિવિલ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. શનિવારે સાંજે આ બાળકીને માતાએ ધાવણ આપ્યું હતું. ત્યારબાદ બાળકી ઉંઘી ગઇ હતી પછી ઉઠી ન હતી. જેથી પરિવારજનો બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બાળકી ના ફેફસામાં દૂધ જવાથી તેનું મોત થયું હોવાનું તબીબોએ પ્રાથમિક તારણ આપ્યું છે.

કેસ નંબર 3 : ભેસ્તાન એસએમસી આવાસ
તેમજ હાલમાં ભેસ્તાન આવાસમાં રહેતા વાલ્મિક બનસોડે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના વતની છે. વાલ્મિકને પરિવારમાં પત્ની ઉપરાંત એકની એક દીકરી પ્રાથવી ( 2 વર્ષ) હતી. પ્રાથવી શનિવારે રાત્રે 11:30 વાગ્યાના અરસામાં રમ્યા બાદ સુઈ ગઈ હતી. પ્રાથવીને રવિવારે સવારે 10 વાગ્યાના સુમારે ઉઠાવતાં તે ઉઠી નહી હતી. જેથી પરિવારજનો પ્રાથવીને સારવાર માટે 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં તબીબોએ પ્રાથવીને મૃત જાહેર કરી હતી. એકની એક દીકરીના મોતથી પરિવારમાં શોક ફેલાયો હતો.

Most Popular

To Top