સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આયોજિત ત્રિદિવસીય યાર્ન એક્સપો-2022નું આયોજન આગામી તા. 20, 21 અને 22 ઓગષ્ટ, 2022 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા આયોજિત યાર્ન એકસ્પોમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે. યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ, કોટન અને કેટોનિક વિગેરેની સાથે સ્પેશિયલ વેરાયટી યાર્ન જેવા કે એન્ટીબેકટેરિયલ યાર્ન, ઇમીટેટ સિલ્ક યાર્ન, ગ્રેનાઇટ યાર્ન અને રિસાયકલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરાશે.
ખાસ કરીને ત્રણ મહિના પહેલાં જ સુરતમાં શોધાયેલી રાસલ જરી અને સ્પાર્કલ નીમ જરી પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સુરત ઉપરાંત દક્ષિણ ભારતના શહેરો તમિળનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશના વિવર્સ સાડી બનાવવામાં તેનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત હોમ ફર્નીશિંગ ટેકસટાઇલમાં કર્ટેન અને રગ્સમાં આ જરીનો ઉપયોગ થાય છે. અલ્જિરીયા, બાંગ્લાદેશ, ઇજિપ્ત, નેપાલ અને સુદાનથી જેન્યુન બાયર્સ યાર્ન પ્રદર્શનની મુલાકાતે આવશે. દેશમાંથી ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિળનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતી, બેંગ્લોર વિગેરે 81 જેટલા શહેરોમાંથી બાયર્સ અને વિઝીટર્સ દ્વારા યાર્ન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવશે. ગત વર્ષે યોજાયેલા યાર્ન એકઝીબીશનમાં એકઝીબીટર્સને રૂપિયા 500 કરોડનો બિઝનેસ જનરેટ થયો હતો ત્યારે આ વર્ષે પણ આશરે રૂપિયા 500 કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થાય તેવી આશા છે.
શનિવાર, તા. ર૦ ઓગષ્ટ, ર૦રર ના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યાર્ન એકસ્પોનું ઉદ્ઘાટન કેન્દ્રીય ટેકસટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે યાર્ન એક્ષ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પોલિએસ્ટર ચેઇનના પ્રેસિડેન્ટ આર.ડી. ઉદેશી અને વાઇસ પ્રેસિડેન્ટ જે. રઘુનાથ, શહેરના મેયર હેમાલી બોઘાવાલા, સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર અજયકુમાર તોમર, અને સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ ઉપસ્થિત રહેશે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન અંદાજે ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફૂટ એરિયામાં યોજાશે. જેમાં ૮૬ જેટલા એકઝીબીટર્સ ભાગ લઇ રહયા છે. યાર્ન એકસ્પો– ર૦રર ના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેનમેડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલીસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ જેવા ઉત્પાદનો પ્રદર્શિત કરનાર છે. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલેન્જ જેવા વિવિધ સ્પેશિયાલિટી ફાઈબર પણ જોવા મળશે.