સુરત: (Surat) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કોમ્પ્લાયન્સના ભાગરૂપે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દક્ષિણ ગુજરાતની સહકારી બેંકો (Bank) તથા નાણાકીય સંસ્થાઓને આરબીઆઇની કેવાયસીની ગાઇડલાઇન તથા અન્ય મહત્ત્વની પ્રક્રિયાઓ વિશે માર્ગદર્શન આપવા માટે આ સેક્ટરના નિષ્ણાત વક્તા અને જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગોપાલ ધકાણે જણાવ્યું હતું કે, નવા સુધારાઓ પ્રમાણે હવે ટ્રસ્ટ અને હાઉસિંગ સોસાયટીના કેસમાં એક્ઝમ્પ્શન સર્ટિફિકેટ હશે તો જ બેંકમાં સેવિંગ ખાતું (Savings Account) ખૂલશે. એટલું જ નહીં નોન ઇન્ડિવિઝ્યુઅલ કેસમાં ખાતેદારના દસ્તાવેજોમાં સુધારો હોય તો કેવાયસી અપડેશન વખતે બેંકની પોલિસી અને ગાઇડલાઇન મુજબ સમગ્ર પ્રક્રિયા ફરીથી કરવાની હોય છે.
કેવાયસીની ગાઇડલાઇન પ્રમાણે બેંકો દ્વારા ખાતેદારો પાસેથી ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, વોટિંગ કાર્ડ, આધારકાર્ડ અને નરેગા કાર્ડ ફરજિયાત લેવાના હોય છે. પરંતુ ખાતેદાર દ્વારા રજૂ કરવામાં આવેલા ઓળખ માટેના આ પાંચ પુરાવામાં તેનું હાલનું અપડેટેડ સરનામું નહીં હોય તો એવા કેસમાં એની પાસેથી આધારકાર્ડ અને સેલ્ફ ડેક્લેરેશન લઇને તેને માન્ય ગણવામાં આવે છે. આધારકાર્ડ ફરજિયાત નથી, પણ સરકારની સ્કીમોનો લાભ લેવા માંગતા ખાતેદારો પાસેથી ફરજિયાત આધારકાર્ડ લેવાનું હોય છે. ભાગીદારી પેઢી તેમજ ટ્રસ્ટનાં ખાતાં ખોલતી વખતે તેમનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ લેવાનું જરૂરી હોય છે. નહીં તો એનું ખાતું એસોસિએશન ઓફ પર્સન (AOP)માં ખૂલે છે. ટ્રસ્ટ અને હાઉસિંગ સોસાયટીના કેસમાં જો એક્ઝમ્પ્શન સર્ટિફિકેટ હશે તો જ સેવિંગ ખાતું ખૂલશે.
ચોક્કસ કેટેગરીના ખાતેદારોને દર બે, આઠ અને દસ વર્ષે કેવાયસી અપડેટ કરાવવું પડશે
હાય રિસ્ક ખાતેદારનું દર બે વર્ષે, મિડિયમ રિસ્ક ખાતેદારનું દર આઠ વર્ષે અને લો રિસ્ક ખાતેદારનું દર દસ વર્ષે કેવાયસી અપડેટ કરવાનું હોય છે. ખાતેદારનાં નામ, સરનામાં તથા દસ્તાવેજોમાં કોઇ બદલાવ નહીં હોય તો સામાન્ય સેલ્ફ ડેક્લેરેશન લઇને કેવાયસી માન્ય રાખવાનું હોય છે. જો કે, વ્યક્તિગત ખાતામાં જો માત્ર સરનામું બદલાયું હોય તો બેંક દ્વારા પોઝિટિવ કન્ફર્મેશન મેળવવાનું રહે છે. જ્યારે નોન ઇન્ડિવિઝ્યુઅલ કેસમાં ખાતેદારના દસ્તાવેજોમાં સુધારો હોય તો કેવાયસી અપડેશન વખતે બેંકની પોલિસી પ્રમાણે અને ગાઇડલાઇન મુજબ સમગ્ર પ્રક્રિયા ફરીથી કરવાની હોય છે.
એક મહિનામાં દસ લાખનું રોકડ ટ્રાન્ઝેક્શન થશે તો બેંકો સીધો સીટીઆર રિપોર્ટ નાણા મંત્રાલયને મોકલશે
એક મહિનાની અંદર રૂ.૧૦ લાખથી વધુનું રોકડમાં ટ્રાન્ઝેક્શન થાય તો સંબંધિત બેંક દ્વારા તેનો કેશ ટ્રાન્ઝેક્શન રિપોર્ટ (CTR) નાણા મંત્રાલય હેઠળ આવતા ફાયનાન્શિયલ ઇન્ટેલિજન્ટ યુનિટ (FIU)ને કરવાનો હોય છે. એક મહિનાની અંદર રૂ.૧૦ લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન રોકડ સિવાય એનઇએફટી/આરટીજીએસ, ચેક તથા ટ્રાન્સફરના રૂપમાં થયું હોય તો તે અંગે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ટ્રાન્ઝેક્શન રિપોર્ટ (NTR) ફાયનાન્શિયલ ઇન્ટેલિજન્ટ યુનિટ (FIU)ને કરવાનો હોય છે. કોઇ ખાતેદારનું ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ જણાય તો એવા કેસમાં બેંક દ્વારા સસ્પીશિયસ ટ્રાન્ઝેક્શન રિપોર્ટ (STR) ફાયનાન્શિયલ ઇન્ટેલિજન્ટ યુનિટ (FIU)ને કરવાનો હોય છે. તદુપરાંત બેંકો દ્વારા ભરણામાં આવતી બોગસ ચલણી નોટો અંગે કાઉન્ટર ફિટ કરન્સી રિપોર્ટ (CCR) પણ કરવાનો હોય છે. નાણાકીય વર્ષ-ર૦૧૯–ર૦માં બેંકો દ્વારા ફાયનાન્શિયલ ઇન્ટેલિજન્ટ યુનિટને પ.૪૭ લાખ સસ્પીશિયસ ટ્રાન્ઝેક્શન રિપોર્ટ, ૧.પપ કરોડ કેશ ટ્રાન્ઝેક્શન રિપોર્ટ, ૯.૪૦ કરોડ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ટ્રાન્ઝેક્શન રિપોર્ટ અને ર.૬ર લાખ કાઉન્ટર ફિટ કરન્સી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા.