સુરતઃ (Surat) શહેરમાં એકવાર ફરી ચેઇન સ્નેચરો (Chain Snatcher) સક્રિય થવા લાગ્યા છે. પરંતુ સુરતમાં ઘટેલી એક ઘટનામાં મહિલાએ બહાદુરીપૂર્વક ચેઇન સ્નેચર્સને પછાડી પાડ્યા હતા. વેસુ વિસ્તારમાં ગઈકાલે ભર બપોરે મહિલાના ગળામાંથી સોનાની ચેઈન ખેંચીને ભાગી રહેલા ત્રણ પૈકી એકને મહિલાએ બાઈક પર પાથળથી કોલર પકડીને નીચે પછાડ્યો હતો. જેથી બાઈકનું બેલેન્સ ગુમાવતા ત્રણેય નીચે પટકાયા બાદ બે જણા બાઈક મુકીને ભાગી છુટ્યા હતા. જ્યારે એકને પકડી પોલીસના હવાલે કરાયો હતો.
ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ કેપીટલ લાઈફમાં રહેતી 25 વર્ષીય કીર્તીબેન સંજયભાઇ ભુતડા ગઈકાલે બપોરે બાજુમાં આવેલી બિલ્ડીંગમાં શોપીંગ કરીને પાછા આવતા હતા. ત્યારે તેમની બિલ્ડીંગના બહાર પગપાળા જતા હતા ત્યારે સ્પેલેન્ડર મોટર સાયકર ઉપર ત્રણ સ્નેચરો આવ્યા હતા. બાઈક ચાલું રાખીને પાછળ બેસેલા વ્યક્તિએ આવી કીર્તીબેનના ગળામાંથી 70 હજારની કિમતની સોનાની ચેઈન ખેંચી ભાગવા પ્રયાસ કર્યો હતો. પરંતુ કીર્તીબેનએ બહાદુરી પૂર્વક બાઈક પર ચેઈન તોડીને પાછળ બેસેલા વ્યક્તિનો કોલર પકડી તેને નીચે પછાડ્યો હતો. દરમિયાન બાઈકનું બેલેન્સ ગુમાવતા ત્રણેય સ્નેચરો નીચે પટકાયા હતા. દરમિયાન કીર્તીબેનએ બુમાબુમ કરતા તેમની બિલ્ડીંગનો વોચમેન અને અન્ય લોકો ભેગા થઈ જતા એકને પકડી લેવાયો હતો. બે જણા બાઈક ત્યાંજ મુકીને ભાગી ગયા હતા. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા પોલીસ જવાને પોતાની ઓળખ આપતા સ્નેચરને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. તેનું નામ પુછતા આશીફ ઉર્ફે કાલીયો ગભરુ વોરા (ઉ.વ ૨૪ રહે- ઘર નં ૧૦૧, સ્ટાર રેસી. રુસ્તમપુરા સલાબતપુરા) હોવાનું જણાવ્યું હતું. તેની સાથેના રાજ ઉર્ફે કાલીયો ભરતભાઇ રાઠોડ (રહે-કૈલાસનગર સગરામપુરા) અને લક્ષ્મણ નેપાળી (રહે- મજુરાગેટ પાસે ચંપલની દુકાનમા સુરત) ને વોન્ટેડ જાહેર કર્યો હતો.
પકડાયેલો આરોપી હાલ બેરોજગાર હોવાથી પહેલી વખત સ્નેચીંગ કરવા ગયો હતો
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મહિલાએ જેને પકડી પાડ્યો તે આરોપી કિન્નરીની સામે પાથરણાનો ધંધો કરતો હતો. કોરોનામાં હાલ બેરોજગાર હોવાથી ઘરખર્ચ કાઢવા માટે તેને અગાઉ ચેઈન સ્નેચીંગ કરી ચુકેલા રાજ રાઠોડ અને લક્ષ્મણ નેપાળીના સંપર્કમાં આવતા તેમની સાથે ગયો હતો. રાજ રાઠોડની પત્ની પણ ગર્ભવતિ હોવાથી તેના ખર્ચા કાઢવા માટે સ્નેચીંગ કરે છે.