ગુજરાતના મોટા શહેરોમાં અદ્યતન એસ.ટી.ડેપો બન્યાં છે. સુરતમાં સીટીબસનું અલગ ડેપો બનાવવામાં આવ્યું છે. જે સુરત સેન્ટ્રલ ડેપોને અડીને આવેલ છે. સુરતમાં અડાજણ ડેપો અદ્યતન બન્યું છે, પરંતુ સુરત સેન્ટ્રલ ડેપોના પ્રમાણમાં બસો અને મુસાફરોની અવરજવર ખાસ રહેતી નથી. રૂરલ કક્ષાની બસો ત્યાંથી ઉપડે છે. મોટા ભાગના પ્લેટફોર્મ બસ અને પેસેન્જર વગર ખાલી જોવા મળે છે,જ્યારે સેન્ટ્રલ ડેપોમાં સવારના પાંચ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી પેસેન્જરો અને બસોની અવરજવર ચાલુ રહે છે. આખું સેન્ટ્રલ ડેપો બસોથી જ ભરેલું દેખાય છે. જ્યારે દરેક પ્લેટફોર્મ પર બસ ઊભેલી હોય ત્યારે બહારથી આવેલી બીજી બસોને ઊભી રાખવાની જગ્યા હોતી નથી એટલે બસોની એક આડી લાઇન ડેપોના ગેટ સુધીની પડી જાય છે. પેસેન્જરને ચાલવાની જગ્યા પણ હોતી નથી.
ક્યારેક તો બે સાથેસાથે ઊભેલી બસની વચ્ચેથી પસાર થવું પડે છે. પ્લેટફોર્મ પરથી બસને ઉપડવાનો સમય થયો હોય ત્યારે ગમેતેમ ઊભેલી બસો નડતર રૂપ બને છે અને સમય બગડે છે. એ તો સારું છે કે હજુ સુધી કોઈ દુર્ઘટના બની નથી. નહી તો આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ થાય? બીજા શહેરમાંથી આવતી કેટલીક બસના ડ્રાઈવર બસના પેસેન્જરોને ડેપોની બહાર જ ઊતારી દે છે અને તે વખતે રીક્ષાવાળા પણ ત્યાં ટ્રાફિક જામ કરી દે છે. બસોમાં સીટનું રિઝર્વેશન થયેલું હોય છે, પણ નિશાની કરેલી હોતી નથી અને કન્ડકટર આવીને પેસેન્જરને ઉઠાડે છે ત્યારે બસ ભરાઈ ગયેલી હોય છે. અને પેસેન્જરને જગ્યા મળતી નથી. ટૂંકમાં સુરત સેન્ટ્રલ એસ.ટી.ડેપો મોટો બનાવવાની જરૂર છે.
સુરત – પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
