સુરતઃ શહેરના પાંડેસરા ખાતે દેવેન્દ્રનગર સોસાયટી નજીક મોડી રાત્રે કેટરિંગના ધંધાની હરીફાઈમાં તથા રૂપિયાની લેવડદેવડ બાબતે પાંચેક અજાણ્યાઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન લેબર કોન્ટ્રાક્ટર અને કારીગર ઉપર થયેલા ફાયરિંગમાં કારીગરને પડખામાં ઇજા થઈ હતી. જ્યારે હુમલાખોરોએ કોન્ટ્રાક્ટરને માથામાં કડછો મારી ઇજાગ્રસ્ત કર્યો હતો. પાંડેસરા પોલીસે આ અંગે બંને જણાની સામસામે ફરિયાદ દાખલ કરી 10 આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.
પાંડેસરા પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, બમરોલી રોડ પર તૃપ્તિનગર સોસાયટીમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર સતેન્દ્રસિંગ રઘુરાજસિંગ રાજાવત (રાજપૂત) (ઉં.વ.૩૧) દ્વારા નિખિલ રાઘવેન્દ્રસિંગ ભદોરિયા, શાંતનું રાઘવેન્દ્રસિંગ ભદોરિયા, કુલદીપ રામનિવાસ રાજાવત, હરિઓમ રામબરણસિંગ રાજાવત, કુન્નુ રામબરણસિંગ રાજાવત, આશુ ભદોરિયા, ઉપેન્દ્ર વર્મા, ઉદયવીર પાલ, અજય અને અર્જુનસિંગની સામે ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, દોઢેક વર્ષ પહેલાં નિખિલ તેના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતો હતો. જો કે, દોઢેક વર્ષ પહેલાં નિખિલ સ્વતંત્ર ધંધો કરવા લાગ્યો હતો. નિખિલ જ્યારે સતેન્દ્રની સાથે કામ કરતો હતો ત્યારે નવસારી ખાતે રાજેશભાઈ તથા નેહલભાઈ દેસાઈના પાર્ટી પ્લોટમાં કેટરિંગનું કામ કર્યું હતું. જેના આશરે 80 હજાર રૂપિયા તેમની પાસે લેવાના બાકી હતી.
આ રૂપિયા નહીં આપવા પડે તે માટે રાજેશભાઈ અને નેહલભાઈ નિખિલને કેટરિંગનો ઓર્ડર આપવા લાગ્યા હતા. જેથી સતેન્દ્રએ ત્યાં તેના રૂપિયા બાકી હોવાથી નિખિલને કામ કરવા ના પાડી હતી. આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. આ બાબતે ફોન પર ગઈકાલે બંનેની બોલાચાલી થઈ હતી. દરમિયાન નિલેશે ફોન કરીને બંનેને સમાધાન માટે બોલાવ્યો હતો. ગઈકાલે રાતે સવા બારેક વાગે પાંડેસરા ગોવાલક રોડ, દેવેન્દ્રનગર સોસાયટી ગલી નં.૩ પાસે નિખિલ ભદોરિયા તથા તેના સાગરીતો શાંતનુ રાઘવેન્દ્રસિંગ ભદોરિયા તેમજ તેની સાથે કામ કરતાં કુલદીપ, હરિઓમ, કુન્નુ, આશુ, ઉપેન્દ્ર, ઉદયવીર, અજય, અર્જુનસિંગ લાકડાના દંડા તથા લોખંડના સળિયા લઈને સતેન્દ્રની પાસે આવી ગાળગલોચ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
સતેન્દ્ર તથા તેના કારીગરોને ઢીકમુક્કીનો માર માર્યો હતો. દરમિયાન ઇકો કારમાંથી સતેન્દ્રસિંગ રાજભર, યશપાલ ઉર્ફે ટોપી, શ્યામલાલ અને નિરંજન સહિત 6 જેટલા સાગરીતોએ આવીને નિખિલ અને રસોઈયા કુલદીપ રામનિવાસ સિંગ ઉપર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં કુલદીપ સિંગને પડખામાં ઇજા થઈ હતી. જ્યારે નિખિલને માથામાં કડછો મારતાં તેને પણ ઇજા થતાં બંનેને નવી સિવિલમાં ખસેડાયા હતાં. દેવેન્દ્રનગર સોસાયટીમાં રહેતા 22 વર્ષીય શાંતનુ ઉર્ફે નકુલ રાઘવેન્દ્ર ભદોરિયાએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સતેન્દ્ર રઘુરાજસિંગ રાજાવત, યશપાલ ઉર્ફે ટોપી, નીરજ અને શ્યામપાલ ઉર્ફે છોટુ તથા બીજા બે અજાણ્યા સામે ફરિયાદ દાખલ કરાવી છે.
પાંડેસરા પોલીસે બંનેની સામસામે ફરિયાદ લઈ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ફરિયાદ દાખલ કરીને બનાવના ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે આરોપીઓની અટકાયત કરી તેમનો કોરોના રિપોર્ટ કરાવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ બતાવવામાં આવશે.
નિખિલ અગાઉ સતેન્દ્રસિંગ સાથે જ કામ કરતો હતો. સતેન્દ્રના કેટરિંગના માલિક પાસે પૈસા લેવાના બાકી હતા. જે પૈસા આપતો નહોતો. જેથી સતેન્દ્ર નિખિલને પણ કામ છોડી દેવાનું કહેતો હતો. પરંતુ નિખિલે કામ છોડ્યું નહોતું અને તેને લઈ બંને વચ્ચે આઠેક મહિના પહેલાં પણ ઝઘડો થયો હતો. ઝઘડો ગઈકાલે ફાયરિંગ સુધી પહોંચ્યો હતો. સત્યેન્દ્રએ અગાઉ પણ નિખિલને કામ બંધ કરી વતન ચાલ્યા જવા ધમકી આપી હતી. છેલ્લા દોઢ વર્ષથી ચાલતા ઝઘડામાં ગતરોજ તેઓ સમાધાન માટે ભેગા થયા હતા ત્યારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.