સુરત (Surat): આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાં રોજ લાખો કરોડો રૂપિયાના વ્યવહારો થતા હોય છે. કરોડોનો વ્યવહાર કરતા સુરતના વેપારી અને લોકોમાં સહેજ પણ વ્યવહારોને લઈ ગંભીરતા નથી આ વાત ખુદ સુરત શહેરના પોલીસ કમિશનર (CPSurat) અજયકુમાર તોમરે (AjayKumar Tomar) કહી હતી.
- આર્થિક પાટનગરમાં લોકોની બેદરકારી લુંટારુઓને આમંત્રણ આપે છે
- પોલીસ કમિશનર દ્વારા આંગડિયા પેઢીના માલીકોને મીટીંગ કરી સૂચનો કરાયા
- કારમાં રોકડ લઈ જવી શક્ય ન હોય તો બાઈક પર બે લોકો દ્વારા સુરક્ષિત રીતે રોકડનું પરિવહન કરવું જોઈએ: સીપી
તમને જણાવી દઈએ કે સુરત શહેરમાં રોકડ લૂંટના બનાવો છેલ્લા થોડા મહિનાથી વધારે જોવા મળ્યા છે. જેનું મુખ્ય કારણ લોકડાઉન (LockDown) બાદ જે રીતે આર્થિક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. તેને પગલે ઘણા લોકો આવા ખોટા રસ્તે જઈ રહ્યા છે. પરંતુ આ માટે લૂંટારૂઓ કરતાં વધારે જવાબદાર ભોગ બનનાર જ હોય તેવું ચિત્ર હાલ દેખાઈ રહ્યું છે. લાખો રૂપિયાની રોકડ તેમના દ્વારા બાઈક ઉપર ખૂબ જ સામાન્ય શાકભાજી લઇ જતા હોય તે રીતે લઈ જવામાં આવે છે અને જેને કારણે તેઓ લૂંટના ભોગ બને છે.
બાઈક પર લાખો રૂપિયા રોકડ લઈ જતા તકેદારી જરૂરી છે
પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, મોટી રકમ લાવવા લઈ જવા માટે લોકો ખૂબ જ બેદરકાર છે. જેના કારણે પોલીસની કામગીરી વધી જાય છે. પોલીસ તો આરોપીઓને પકડવા માટે જ છે. પણ આવી બેદરકારીથી બનતી ઘટનાઓ અંગે લોકોએ પણ તકેદારી રાખવી જોઈએ. બાઈક ઉપર થેલામાં લાખો રૂપિયા લઈને જતા લોકો જો કારનો ઉપયોગ કરે તો સુરક્ષા વધી જાય છે. મારા દ્વારા આંગડિયા પેઢીના માલીકોને મીટીંગ બોલાવી આ અંગે સમજ આપવામાં આવી છે. અને રહી વાત શહેરમાં થયેલી લૂંટની તો તમામ લૂંટના ગુના ડિટેક્ટ કરી દેવાયા છે.
ઉધના ત્રણ રસ્તા પાસે 5 સેકન્ડમાં 31 લાખની લૂંટ
ગત 29 જૂને ઉધના ત્રણ રસ્તા પાસે 31 લાખ રોકડની લૂંટ થઈ હતી. ધોળા દિવસે મની ટ્રાન્સફરના (Money Transfer) વૃદ્ધ કર્મચારીને લૂંટીને ત્રણ શખ્સો બાઇક પર ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થતા એસઓજીએ (SOG) બે આરોપીઓને અને ઉધના પોલીસે એક આરોપીને પકડી પાડ્યો હતો. હવે આ વૃદ્ધ બાઈક ઉપર આરામથી 31 લાખ રૂપિયા જેટલી રકમ પોતાના પગ ઉપર મૂકીને જાય છે ત્યારે સૌથી મોટી બેદરકારી કોની ગણવી?
આંગડિયા પેઢીનો માલીક ડિંડોલીમાં બાઈક પર 33 લાખ લઈ જતા લૂંટાયો
ડિંડોલી વિસ્તારમાં ગત 22 મે ના રોજ ચાની લારી ઉપર બે લોકો ચા પી રહ્યા હતા. તે દરમિયાન બાઈક ચાલક આવી ઉભેલા લોકોનું બેગ ખેચ્યું હતું, પરંતુ બેગ હાથમાં નહિ આવતા બંદુક બતાવીને લૂંટ કરી હતી. સિલિકોન શોપર્સ ખાતેની પીએમ આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટની ઘટના ઘટી હતી. આ કર્મચારી એક સ્થળેથી બીજા સ્થળે બાઈક ઉપર બિન્ધાસ્ત પૈસા લઈ જઈ રહ્યો હતો. તે દરમિયાન રસ્તામાં ચા પીવા ઉભો હતો અને અચાનક આખી ઘટના ઘટી ગઈ હતી.
બાઈક ઉપર ખોળામાં 18 લાખ રોકડ ભરેલી બેગ મુકી હતી
ગત 15 માર્ચે બપોરે ત્રણ થી સવાત્રણ વાગ્યા વચ્ચે સોશિયો સર્કલથી એરટેલનો કર્મચારી બેંકમાં પૈસા ભરવા જઇ રહ્યો હતો. આ યુવક પણ બિન્ધાસ્ત બાઈક ઉપર બંને પગની વચ્ચે બેગ મુકીને જતો હતો. આટલી મોટી રકમ બાઈક પર મુકીને જતો હોય તો સ્વાભાવિક રીતે લૂંટારૂઓ માટે ખુલ્લુ આમંત્રણ છે. 18 લાખ રૂપિયા ભરેલું બેગ છીનવી ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
ભવાનીવાડમાં 15 લાખ રોકડ ભરી લઈ જતા બે લૂંટી ગયા
ભવાનીવાડ પાસે આવેલી અંબાલાલ આંગડીયા પેઢીમાંથી રોકડા 15 લાખ લઇને નિકળેલા આંગડીયા પેઢીના કર્મચારીને નજીકમાં જ આવેલી થોભા શેરીમાં આવેલી બીજી આંગડીયા પેઢી રામચંદ્ર આંગડીયામાં જમા કરાવવા માટે નિકળ્યો હતો. થોભા શેરીના નાકે એક બાઇક ઉપર આવેલા બે અજાણ્યાઓએ પાછળથી 15 લાખ ભરેલી બેગ લૂંટી લઇ નાસી ગયા હતા. આ ઘટના ગત 22 માર્ચે બની હતી.