SURAT

સુરતમાં કોરોનાના દરરોજ નવા વિક્રમ સર્જાઈ રહ્યા છે, રેકોર્ડ 484 કેસ નોંધાયા

સુરત: (Surat) શહેરમાં કોરોનાના દરરોજ નવાને નવા વિક્રમ સર્જાઈ રહ્યા છે. સુરતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી 300ની ઉપર પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યાં છે ત્યારે શનિવારે શહેરમાં નવા 381 પોઝિટિવ દર્દીઓ નોંધાવાની સાથે કુલ આંક 44,348 પર પહોંચ્યો છે તેમજ વધુ 2 મોત સાથે કુલ મૃત્યુઆંક 858 પર પહોંચ્યો છે. તેમજ વધુ 286 દર્દીઓ સાજા થવાની સાથે અત્યાર સુધીમાં કુલ 41,954 દર્દીઓ સાજા થયા છે અને રિકવરી રેટ 94.60 ટકા પર પહોંચ્યો છે. શહેરમાં કુલ કેસના (Case) સૌથી વધુ કેસ અઠવા ઝોનમાં નોંધાઈ રહ્યાં છે. અઠવા ઝોનમાં એક જ દિવસમાં 99 કેસ નોંધાતા તંત્રએ આ ઝોનને રેડ એલર્ટ પર રાખ્યું છે. જિલ્લા વિસ્તારમાં વધુ 103 પોઝિટિવ દર્દી નોંધાવાની સાથે જીલ્લામાં પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 13,722 પર પહોંચ્યો છે. સુરત શહેર અને જિલ્લા (City And District) મળીને કોરોનાનો આંક 484 કેસનો થવા પામ્યો છે.

સુરત શહેર સાથે સંકળાયેલા ચોર્યાસી તાલુકામાં સૌથી વધુ 29, કામરેજ તાલુકામાં 27 કેસ નોંધાયાં
સુરત જિલ્લામાં સૌથી વધુ 29 કેસ ચોર્યાસી તાલુકામાં અને બીજા ક્રમે 27 કેસ કામરેજ તાલુકામાં નોંધાયા હતાં. આ બંને તાલુકા સુરત શહેર સાથે જોડાયેલા હોવાથી બંને તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી વધુને વધુ કેસ નોંધાઈ રહ્યાં છે.

  • કયા ઝોનમાં કેટલા કેસ?
  • ઝોન કેસ
  • સેન્ટ્રલ 44
  • વરાછા-એ 24
  • વરાછા-બી 25
  • રાંદેર 59
  • કતારગામ 27
  • લિંબાયત 54
  • ઉધના 49
  • અઠવા 99
  • કયા તાલુકામાં કેટલા કેસ નોંધાયા
  • તાલુકો કેસ
  • ચોર્યાસી 29
  • ઓલપાડ 17
  • કામરેજ 27
  • પલસાણા 06
  • બારડોલી 15
  • મહુવા 03
  • માંડવી 00
  • માંગરોળ 04
  • ઉમરપાડા 02

સુરતમાં કોરોનાના જે કેસ વધી રહ્યાં છે તેમાં મોટાભાગના કેસ બહારથી આવતા લોકોને કારણે છે. ખુદ મ્યુનિ.કમિ. દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે કુલ કેસ પૈકી 50 ટકાથી વધુ કેસ બહારથી આવી રહેલા લોકોને કારણે છે. આ કારણે જ બહારથી જે લોકો આવે છે તેના ટેસ્ટિંગ માટે સઘન કામગીરી કરવાની જરૂરીયાત છે પરંતુ મનપા તંત્ર દ્વારા ચેકિંગની આ કામગીરીમાં મોટા છીંડા રાખવામાં આવ્યાં છે. મનપા દ્વારા આ કામગીરી સઘન રીતે કરવામાં જ આવતી નથી અને તેને કારણે ‘ખાડે ડુચા અને દરવાજા મોકળા’ જેવો ઘાટ થવા પામ્યો છે.

સુરતમાં રોજ સંખ્યાબંધ મુસાફરો રેલ્વે સ્ટેશન પર તથા બસ મારફતે અન્ય રાજ્યમાંથી આવતાં હોવા છતાં પણ કોરોનાના ચેકિંગ કે ટેસ્ટિંગના નામે લોલમલોલ જ ચાલી રહ્યું છે. બહારના રાજ્યમાંથી સુરત રેલ્વે સ્ટેશન પર અને બસ સ્ટેશન પર ચેકીંગ માટે મનપાના કર્મચારીઓ મોટા ભાગનો સમય દેખાતા જ નથી. ક્યારેક કર્મચારી હોય તોયે મુસાફરોના ધસારાની સામે ખૂબ ઓછી સંખ્યામાં હોવાથી મોટા ભાગના મુસાફરોનું ચેકિંગ કરવામાં આવતું નથી. ક્યા મુસાફરો સુરત ઉતર્યા તેની માહિતી પણ મ્યુનિ. તંત્ર પાસે નથી હોતી. આવા સંજોગોમાં થતાં રેન્ડમ ચેકિંગમાં જે મુસાફર ‘પકડાયો તે ચોર’ જેવી સ્થિતિ ઊભી થાય છે. જ્યારે હજારો મુસાફરો વિના કોઈ રોક ટોક એમને એમ જ નીકળી જાય છે અને શહેરમાં સંક્રમણનો ભય વધારે છે. આ ઉપરાંત મનપાના કર્મચારીઓ માત્ર મુખ્ય રસ્તાઓ પર જ ઉભા રહે છે. જ્યારે અન્ય રસ્તાઓ પરથી વાહનો દ્વારા કે પછી અન્ય રીતે બહારના રાજ્યના લોકો સુરતમાં ઘુસી જાય તો તે પણ દેખાતા નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top