સુરત: ગત તા.23 જુલાઇના રોજ રાત્રિના સમયે સાડા નવ વાગ્યે મર્સિડીઝ બેન્ઝ કારમાં (Car) સ્ટંટ (Stant) કરતા બે યુવાનનો વિડીયો (Video) વાયરલ થયો હતો. આ વિડીયો બાદ પોલીસ (Police) હરકતમાં આવી હતી. તેમાં આ યુવાનો ડુમસ રોડ પર વેલેન્ટાઇન સિનેમા પાસે સ્ટંટ કરતા હોવાનું માલૂમ પડ્યું હતું.
- જાનમાલ જોખમમાં મુકાય એ રીતે કૃત્ય કરવા બદલ આ બેને પોલીસે લોકઅપ ભેગા કર્યા
- આરોપીઓએ થોડા દિવસ પહેલાં જ આ ગાડી ખરીદી હતી
આરોપીનાં નામ અઝહર સલીમ શેખ તથા એઝાઝ સલીમ શેખ (ઉં.વ.30) જે કીમ ચાર રસ્તા, રોયલ પાર્ક રો હાઉસ ખાતે રહેતા હોવાની બાતમી પોલીસને મળી હતી. આ લોકોએ થોડા દિવસ પહેલાં જ આ ગાડી ખરીદી હતી. આ ગાડીનો નં.(જીજે-05-સીપી 2233) છે. તેના પર આ લોકો દ્વારા સ્ટંટ કરવામાં આવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ ગાડીનો કબજો લીધો હતો. ઉપરાંત લોકોની જાનમાલ જોખમમાં મુકાય એ રીતે કૃત્ય કરવા બદલ આ બેને પોલીસે લોકઅપ ભેગા કર્યા હતા. ઉમરા પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે.
હવે તો પોલીસ દાદા પણ હાથ છોડીને સ્ટંટ કરતા થયા : વિડીયો વાયરલ
સુરત : રિક્ષામાં બેસીને લબર મુછીયા યુવાનોએ સ્ટંટ કરતા ઉધના પોલીસે તેઓને લોકઅપમાં પુરી દીધા હતા. ત્યારે હવે ખુદ પોલીસ જવાન ટ્રાફિકમાં હાથ ખુલ્લા કરીને પોતાની બાઇક ચલાવી રહ્યાનો વિડીયો વાયરલ થયો છે.
પોલીસ જવાન અઠવાલાઇન્સ વિસ્તારમાં પોતાના હાથ છોડીને બાઇક ચલાવતા આ વિડીયો આગની જેમ વાયરલ થઇ ગયો હતો. લોકો શહેર પોલીસને ટોકી રહ્યા હતા કે પહેલા તમારા ઘરના લોકોને સબક શીખવાડો, પછી યુવાનો પર કાર્યવાહી કરો. આજે આ વિડીયો વાયરલ થતા પોલીસે આ જવાનને શોધી કાઢ્યો હોવાની વિગત જાણવા મળી છે.