સુરત: (Surat) ડુમસ ફરીને પરત આવતાં સિટીલાઈટ વિસ્તારના પિતા-પુત્રને અકસ્માત (Accident) નડ્યો હતો. જેમાં પિતાનું મોત નીપજ્યું હતું. રવિવારે સવારે પિતા અને પુત્ર કાર (Car) લઈને ડુમસ ફરીને ઘરે પરત આવી રહ્યા હતાં. તે દરમિયાન પુત્રએ કારના સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર ડીવાઈડર સાથે અથડાઈ હતી.
- ડુમસ ફરીને પરત આવતાં પિતા-પુત્રને અકસ્માત નડ્યો, પિતાનું મોત
- પુત્રએ કારના સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર ડીવાઈડર સાથે અથડાઈ
ડુમસ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના વતની શિવભગવાન મૃગુલાલ સરાવગી (74 વર્ષ) હાલ સિટીલાઈટ વિસ્તારમાં આવેલ ક્રિસ એન્કલેવમાં પરિવાર સાથે રહેતા હતા. શિવભગવાન નિવૃત્ત જીવન વિતાવતા હતાં. રવિવારે સવારે શિવભગવાન તેના પુત્ર શ્યામસુંદર સાથે કારમાં ડુમસ ફરવા માટે ગયા હતા. ડુમસમાં ફર્યા બાદ બને પિતા-પુત્ર કારમાં ઘરે પરત આવી રહ્યા હતા.
તે દરમિયાન શ્યામસુંદર કાર ચલાવી રહ્યા હતાં. ત્યારે ડુમસ લંગર સર્કલથી એરપોર્ટ બાજુ આવતા રસ્તામાં શ્યામસુંદરે કારના સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેથી કાર ડીવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં શિવભગવાનને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.