હથોડા: (Hathoda) ખેડાથી સુરત (Surat) જઈ રહેલી એક કારને કોસંબાના શિયાલજ નજીક હાઇવે પર અજાણ્યા વાહને સાંજના સાતેક વાગ્યે ટક્કર મારતાં રોડ પર ફંગોળાઈ ગયેલી કારમાં (Car) સવાર પાંચ જણા પૈકી એકનું મોત થયું હતું. જ્યારે ચાર જણા ઘવાયા હતા.
- ખેડાથી સુરત આવી રહેલી કારને કોસંબા નજીક અકસ્માત: એકનું મોત, ચારને ઇજા
- ફંગોળાઈ ગયેલી કારમાં સવાર પાંચ જણા પૈકી એકનું મોત થયું હતું
ઘટનાની વિગત એવી છે કે ખેડાના કુણી ગામેથી જીજે ૦૭ ડીઇ 4460 નંબરની કારમાં સતીશકુમાર મણીલાલ પરમાર તેમની પત્ની નીલમબેન તથા પુત્ર જીયાનકુમાર તથા વિરલકુમાર મગનભાઈ પરમાર અને તુષારકુમાર સુરેશભાઈ દરજી કારમાં સવાર થઈને સુરત જવા નીકળ્યાં હતાં. કાર તુષારભાઈ ચલાવતા હતા અને તેઓ શિયાલજ નજીકથી પસાર થતા હતા. ત્યારે સાંજના સાત વાગ્યાના સમયે કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારતાં કાર રોડની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી. અને કારમાં સવાર સતીશકુમાર મણીલાલ પરમાર, નીલમબેન તથા જીયાનકુમાર અને વિરલકુમાર મગનભાઈ પરમારને માથાના ભાગે તેમજ શરીરે નાની-મોટી ઇજા થઈ હતી. આથી તેમને સારવાર માટે ખસેડતાં ગંભીર ઇજા પામેલા જીયાનકુમારનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે કોસંબા પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરમાં ટ્રક સાથે બાઈકને અકસ્માત, બે ઘાયલ
અંકલેશ્વર: અંકલેશ્વર હાઇવે ઉપર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ ઉપર બાઈક સવારોને ટ્રકચાલકે અડફેટે લેતાં બે યુવાનને ઈજા પહોંચી હતી. બાઈક નં.જી.જે.૧૬.બી.આર.૦૦૪૨ લઇ બે યુવાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી પસાર થઇ રહ્યા હતા. એ દરમિયાન રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલા ટ્રેલર નં.(આર.જે.૧૪.જી.જે.૨૭૬૭)ના ચાલકે બાઈકસવારોને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને યુવાનને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માતની જાણ બી ડિવિઝનને થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મધ્યપ્રદેશથી સુરત આવતી બસમાં આગ, કોઈ જાનહાનિ નહીં
બારડોલી: બારડોલી-ધુલિયા નેશનલ હાઇવે નં.53 ઉપર અગાસી માતા મંદિર પાસે સોમવારે સાંજે 6.30 કલાકની આસપાસ મધ્યપ્રદેશ રોડવેઝની બસમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. બસમાં પંદર જેટલા મુસાફરો હતા. જેઓ તાત્કાલિક બસમાંથી ઊતરી જતાં મોટી જાનહાનિ ટળી હતી. બસ ખરગોનથી સુરત આવી રહી હતી. બારડોલી ફાયર બ્રિગેડની ટીમે સમયસર સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.