સુરત: સુરત (Surat) શહેરના નજરાણા સમાન કેબલ સ્ટેઈડ બ્રિજ (Cable Bridge) પર લાઈટીંગ (Lighting) અને બ્રિજ મોનિટરિંગ માટે સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. જે માટે છેલ્લા 1 મહિનાથી બ્રિજનો અડાજણથી (Adajan) અઠવા તરફનો એક તરફનો લેન બંધ રાખવામાં આવ્યો હતો. પરંતુ કામગીરી હજી બાકી હોય, તા. 1 થી 8 સપ્ટેમ્બર દરમિયાન રાત્રે 11 થી સવારે 6 વાગ્યા દરમિયાન અડાજણ સ્ટાર બજારથી અઠવા તરફ જતો બ્રિજનો એક તરફનો ભાગ બંધ રાખવામાં આવશે.
કેબલ બ્રિજ પર ફસાદ લાઈટીંગ કરવાની કામગીરી ચાલી રહી છે. સાથે સાથે બ્રીજના મેઈન્ટેનન્સ માટે કંટ્રોલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ પણ નાંખવામાં આવશે. આ સમગ્ર સિસ્ટમ ઈન્સ્ટોલેશન કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પરંતુ વરસાદના કારણે ઘણા દિવસ કામગીરી થઈ શકી ન હતી. જેથી હવે વધુ 8 દિવસ બ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. પરંતુ દિવસ દરમિયાન વાહન વ્યવહાર ચાલુ રહેશે માત્ર રાત્રે જ બ્રિજ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરોલી બ્રિજ આખરે ટુ-વ્હીલર માટે શરૂ કરી દેવાયો, ભારે વાહનો માટે રાહ જોવી પડશે
સુરત: સુરત ઓલપાડ વિસ્તારને જોડતો સરોલી રેલવે ઓવરબ્રિજ ભારે વરસાદને કારણે બેસી ગયો હતો. જેથી તંત્ર દ્વારા આ બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો. આ બ્રિજને રીપેર કરવા માટે મનપા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને હાલ આ બ્રિજ ટુ-વ્હીલર માટે શરૂ કરાયો છે.
છેલ્લા ઘણા દિવસથી મનપા દ્વારા અહી રિપેરિંગ કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ હજી સંપુર્ણ રિપેરિંગ કામમાં સમય લાગતો હોય, મનપા દ્વારા અહી વૈકલ્પિક રસ્તો બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે આ જુના બ્રિજની કામગીરી ચાલી જ રહી છે. અને છેલ્લા ઘણા દિવસથી વરસાદ બંધ હોય, રિપેરિંગ કામ શક્ય બન્યુ હતું અને ટુ-વ્હીલર માટે બ્રિજ શરૂ કરી દેવાયો છે. જેથી ઘણી રાહત થઈ છે. પરંતુ મોટા વાહનો માટે ક્યારે શરૂ કરાશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે, આ જૂના બ્રિજની બાજુમાં જ નવો બ્રિજ બનાવવા માટેની કામગીરી પણ ચાલી રહી છે. આ બ્રિજ બનતાં પણ છ માસથી વધુનો સમય લાગે તેવી સંભાવના છે.