ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (Institute of Chartered Accountants of India) દ્વારા ગત ડિસેમ્બરમાં લેવાયેલી CA ફાઇનલ્સ પરીક્ષાનું આજે પરિણામ (Result) જાહેર કરાયું છે. જેમાં સુરતની રાધિકાએ પ્રથમ સ્થાન મેળવીને સુરત અને ગુજરાતનું (Gujarat) નામ રોશન કર્યું છે. આઈસીએઆઈ સીએ (ICAI CA) ફાઇનલ ડિસેમ્બર 2021ના મેરિટ લિસ્ટ મુજબ સુરતની રાધિકા ચૌથમલ બેરીવાલાએ 80 પર્સન્ટાઇલ સાથે ટોચનું સ્થાન મેળવ્યું છે. ICAI CAના પરિણામમાં આ વખતે ગુજરાતના સુરતની (Surat) દિકરીએ મેદાન માર્યુ છે.
રાધિકાએ સૌ પ્રથમવાર દેશમાં પ્રથમવાર નવા અભ્યાસક્રમમાં કુલ 800માંથી સૌથી વધુ 640 માર્ક મેળવ્યાં છે. સુરતમાંથી પણ પ્રથમવાર સૌથી વધુ માર્ક મેળવવાની સિદ્ધિ રાધિકાએ મેળવી છે. જેને કારણે તેના નામે બે રેકોર્ડ નોંધાયા હોવાનું જાણવા મળ્યુ છે. ICAI CA ફાઈનલ નવા કોર્સના બીજા અને ત્રીજા ક્રમે યુપી ખતૌલીના નીતિન જૈન જેણે 79 ટકા અને ચેન્નાઈના નિવેદિતા એનએ 79 ટકા મેળવ્યા છે.
સી.એ. કોચ રવિ છાવછરીયાએ જણાવ્યું હતું કે, સી.એ.ના પરીણામમાં આ વખતે અગાઉના વર્ષના લગભગ દરેક રેકોર્ડ તૂટી ગયા છે. રાધિકા બેરીવાલાએ દરેક સબ્જેક્ટમાં જોરદાર પરફોર્મન્સ કર્યું છે. તેમણે કહ્યું કે અગાઉ રાધિકા બેરીવાલા આઇ.પી.સી.સી.ની પરીક્ષામાં પણ સમગ્ર ભારતમાં સેકન્ડ રેંક હાંસલ કરવાની સિદ્ધિ મેળવી ચૂકી છે. રાધિકાના પિતા ચૌટમલ છેલ્લા અઢી દાયકાથી સુરતમાં સ્થાયી થયા છે. મૂળ રાજસ્થાનના ઝૂંઝૂનું જિલ્લાના વતની રાધિકાના પિતા ટેક્સટાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા છે.