સુરત: વુમન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં રવિવારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ યોજાઈ હતી. ત્યારે સુરતના બે હીરા ઉદ્યોગપતિઓએ મહિલા ક્રિકેટરો માટે અનોખી ઇનામની જાહેરાત કરી છે.
- દરેક મહિલા ખેલાડીને સોલાર રૂફટોપ પણ આપવામાં આવશે
સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા (શ્રી રામ કૃષ્ણ ડાયમંડ કંપની) અને જયંતિભાઈ નારોલાએ જાહેર કર્યું છે કે વર્લ્ડ કપ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના દરેક ખેલાડીને બે ખાસ ભેટો આપવામાં આવશે — મૂલ્યવાન નેચરલ ડાયમંડ જ્વેલરી અને તેમના ઘર માટે રૂફટોપ સોલાર પેનલ્સ આપવામાં આવશે.
ગોવિંદ ધોળકિયાએ આ અંગે બીસીસીઆઈ (BCCI)ને સત્તાવાર પત્ર લખી ટીમને શુભકામનાઓ પાઠવી છે. તેમણે લખ્યું છે કે મહિલા ક્રિકેટરોએ પોતાની હિંમત, શિસ્ત અને દૃઢ નિશ્ચયથી અબજો ભારતીયોના દિલ જીતી લીધા છે, અને તેમની આ સફળતા સમગ્ર દેશ માટે ગર્વની બાબત છે.
ગોવિંદ ધોળકિયાએ વધુમાં જણાવ્યું કે ટીમની અસાધારણ યાત્રાની ઉજવણી કરવા માટે હસ્તકલાવાળા કુદરતી હીરાના દાગીના ભેટ આપવામાં આવશે. આ સાથે જ સોલાર પેનલ્સની ભેટ તેમના જીવનમાં “પ્રકાશ” રૂપે સતત ઉર્જા પૂરી પાડશે. “મહિલાઓની જીત એ માત્ર રમતગમતનો વિજય નથી, પરંતુ દીકરીઓની પેઢીને સ્વપ્ન જોવાની અને આગળ વધવાની પ્રેરણા આપશે,” એમ ધોળકિયાએ ઉમેર્યું હતું.
ગોવિંદ ધોળકિયાના પુત્ર શ્રેયાંસ ધોળકિયાએ જણાવ્યું કે આ જ્વેલરી SRKની ફેક્ટરીમાં ખાસ ડિઝાઇન કરાશે, જેમાં ડાયમંડ અને ગોલ્ડ સાથે ભારતીય ટીમના તત્ત્વો અને દરેક ખેલાડીના ઇનિશિયલ્સ સામેલ કરાશે, જેથી આ જ્વેલરી વિશ્વમાં એકમાત્ર અને અનોખી બને.