સુરત: વિખ્યાત ફોર્બ્સ મેગેઝિને (Forbes Magazine) વિશ્વના 2259 બિલિયોનરની પ્રસિદ્ધ કરેલી યાદીમાં 168 ભારતીય ઉદ્યોગકારને સ્થાન મળ્યું છે. આ 168 બિલિયોનરની યાદીમાં પ્રથમ સુરતી ઉદ્યોગકાર તરીકે તરીકે અશ્વિન દેસાઇએ (Ashwin Desai) સ્થાન મેળવી સુરત (Surat) અને ગુજરાતનું (Gujarat) નામ રોશન કર્યુ છે.
ફોર્બ્સ-2023ની બિલિયોનેરની યાદીમાં વિશ્વના 2259 લોકોમાં 168 ભારતીયમાં સુરતની એથર ઇન્ડસ્ટ્રીના સીએમડી અશ્વિન દેસાઈને સ્થાન મળ્યું છે, એવા અહેવાલો બહાર આવતાં સુરતનાં ઉદ્યોગ સંગઠનોએ અશ્વિન દેસાઈને અભિનંદન પાઠવ્યાં છે. સુરતની સચિન જીઆઇડીસીમાં કેમિકલ ફેક્ટરી એથર ઇન્ડસ્ટ્રીની તેમણે સ્થાપના કરી હતી. આ વર્ષના ફોર્બ્સ મેગેઝિન બિલિયોનેરની યાદીમાં સ્થાન મેળવનાર પ્રથમ સુરતી એથર ઇન્ડસ્ટ્રીના સીએમડી અશ્વિન દેસાઈ જે ગયા વર્ષે 1.2 બિલિયનની સંપત્તિ સાથે પ્રથમ જાહેર ઓફર સાથે બહાર આવ્યા હતા અને વિશ્વના 2259 સૌથી ધનિક વ્યક્તિ સાથે તેઓ આ યાદીમાં અન્ય 168 ભારતીય સાથે સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.
એથર ઇન્ડસ્ટ્રીના સ્થાપક પ્રમોટર મેનેજિંગ ડિરેક્ટર એવા સુરતી અશ્વિન દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી (ICT, અગાઉ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ ટેક્નોલોજી, UDCT, મુંબઈ)માંથી વર્ષ-1974માં કેમિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમને 2010માં ભારતીય કેમિકલ ટેક્નોલોજી દ્વારા પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
અશ્વિન દેસાઈને સ્પેશિયાલિટી કેમિકલ ઉદ્યોગમાં ઘણા દાયકાઓનો અનુભવ છે. એથર ઇન્ડસ્ટ્રીની સ્થાપના પહેલાં તેઓ અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડના સ્થાપક સભ્ય હતા. અને 2013 સુધી અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર હતા. એથરમાં, અશ્વિન દેસાઈ કંપનીના વિઝનને બનાવવા માટે જવાબદાર અને સક્રિયપણે કાર્ય કરે છે. તમામ તકનીકી-વાણિજ્યિક વિભાગોમાં તેઓ સંકળાયેલા છે. તેમની ઈચ્છા હતી કે, કેમિસ્ટ્રી, ટેક્નોલોજી અને સિસ્ટમ્સ માટે સર્જનાત્મક અભિગમ સાથે રસાયણોની દુનિયામાં એક વિશિષ્ટ સ્થાન મેળવવું, સ્પેશિયલાઈઝ કેમિકલના ક્ષેત્રમાં અશ્વિનભાઈ દેસાઈનું મહત્ત્વનું યોગદાન છે.
ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝિને પ્રોફાઈલ કવર પર અશ્વિન દેસાઈની તસવીર પ્રસિદ્ધ કરી
નવા 16 અબજોપતિ 2022-2023માં ઉમેરાયા એમાં સુરત માટે ગર્વ લેવા જેવી બાબત એ છે કે, ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝિને પ્રોફાઈલ કવર પર અશ્વિન દેસાઈની તસવીર પ્રસિદ્ધ કરી છે. ભારતમાંથી 169 અબજોપતિ છે, જે વિશ્વની યાદીમાં ત્રીજા નંબરે સૌથી વધુ અબજોપતિઓ ધરાવતો દેશ છે. અમેરિકા અને ચીન પ્રથમ બે સ્થાને છે. બર્નાર્ડ આર્નોલ્ટ અને પરિવાર, એલોન મસ્ક અને જેફ બેઝોસ આ યાદીમાં ટોચના ત્રણ સ્થાને છે.
ભારતની યાદીમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી ટોચ પર છે. ફોર્બ્સ ઇન્ડિયા મેગેઝિને પ્રોફાઈલ કવરવાળી આ એડિશનમાં નવા અબજોપતિ પૈકીના એક અશ્વિન દેસાઈ, સુરતને સ્થાન આપ્યું છે. ગુજરાતના એક નવા ટંકશાળવાળા અબજોપતિની પ્રોફાઈલ કરી એમને માન આપવામાં આવ્યું છે. જેમણે તેમના 60ના દાયકામાં એથર ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી.