સેલવાસ: દાદરા નગર હવેલીના (Dadra Nagar Haveli) સેલ્ટી ગોરાટપાડા ગામે સુરતથી ફરવા આવેલા પ્રવાસીઓની (Tourist) બસ (Bus) પલટી જતા ચકચાર મચી જવા પામી હતી, સદનસીબે બસમાં સવાર તમામ યાત્રી સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. બે બસ લઈને સુરતથી ગરબા ગ્રુપના (Surat Garba Group) યુવક- યુવતીઓ દૂધનીથી ફરી પરત આવી રહ્યા હતા. બસનું સ્ટિયરીંગ લોક થઈ જતા ચાલકે કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી. જેમાં 9 લોકો ઘવાયા હોવાનું જાણવા મળ્યું છે.
દા.ન.હ.માં ટુરીસ્ટની બે બસ લઈને સુરતથી ગરબા ગ્રુપના કેટલાક યુવક યુવતીઓ ફરવા આવ્યા હતા. જેઓ દૂધનીથી ફરી પરત આવી રહ્યા હતા, તે સમયે બસ નંબર જીજે 14 X 1771માં સવાર યાત્રીઓ બિન્દ્રાબિન ખાતે જમવા માટે નીકળ્યા હતા. સેલ્ટી ગોરાતપાડા નજીક બસનું સ્ટિયરીંગ લોક થઈ જતા બસ પલટી મારી ગઈ હતી. આ બસમા કુલ 56 લોકો સવાર હતા.
જેમાંથી પિયુષ ચોવથીયા (ઉ.23, રહે, સુરત, ખોલવાડ), મીતાલી જગદીશ પોલરા (ઉ.18, મોટા વરાછા, સુરત), ભાવેશ વડ઼ોછયા (યોગી ચોક, સુરત), ખુશી સગલીયા (ઉ.16ષ કારગીલ ચોક, સુરત), કલાબેન ભાવિકભાઈ ડોંગા (ઉ.29, યોગી ચોક, સુરત), કેવલ ભલાલા (ઉ.21,કારગીલ ચોક, સુરત), હાર્દિક પાનેલીયા (ઉ.30, કારગિલ ચોક, સુરત), હર્ષિતા ગુંદરિયા (કારગિલ ચોક, સુરત), પ્રીતિ કાકડિયા (ઉ.17, કારગિલ ચોક, સુરત)ને નાની મોટી ઈજા થઈ હતી. જેઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા ખાનવેલ સબ જિલ્લા હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બસમાં સવાર અન્ય લોકો બિલકુલ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.