સુરત: સુરતમાં કોરોનાના વધી રહેલા કેસો માટે બહારથી આવતા લોકો પણ જવાબદાર હોવાથી સૌરાષ્ટ્રથી આવતી બસોને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે એસટી નિગમ તેમજ ખાનગી બસ ઓપરેટરોને આદેશ આપવામાં આવશે. આ ઉપરાંત મનપા પાસે જે વેન્ટિલેટર ઉપયોગમાં નહીં આવતા હોય તેવા વેન્ટિલેટર ખાનગી હોસ્પિ.ને આપવા માટે પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે સરકારના પ્રતિનિધી એમ. થેન્નારસન, મ્યુનિ.કમિ., કોરોના હોસ્પિટલ મેનેજમેન્ટ, સરકારી અધિકારીઓ તેમજ મનપાના અધિકારીઓની સમીક્ષા બેઠકમાં ઉકત સહિત અનેક અન્ય નિર્ણયો પણ લેવામાં આવ્યા હતાં.
સુડા ભવન ખાતે મળેલી આ બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે સ્મીમેર તેમજ નવી સિવિલ હોસ્પિ.માં ઝડપથી વેન્ટિલેટરવાળા બેડ વધારવામાં આવશે. કાલે બપોરે 12 કલાકે મીટિંગ કરીને ખાનગી તબીબોને મનપાના જે વેન્ટિલેટર ઉપયોગમાં આવતાં નથી તે તમામ વેન્ટિલેટર આપવાનો નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત ખાનગી હોસ્પિ.માંથી હાલમાં વેન્ટિલેટર પર હોય તેવા દર્દીઓને હાલમાં સીધા સ્મીમેર કે નવી સિવિલ હોસ્પિ.માં મોકલી દેવામાં આવે છે. તે નહીં મોકલવા માટે તમામ હોસ્પિ.ને સૂચના આપવામાં આવશે. સુરતમાં જેટલી પણ હોસ્પિ. સાથે મનપાના કોરોનાના દર્દીઓ માટે બેડના કરાર કરવામાં આવ્યા છે તેવી તમામ હોસ્પિ.ના બેડને વેન્ટિલેટરવાળા બેડમાં ફેરવી દેવામાં આવશે.
હાલમાં વરાછા-એ ઝોનમાંથી સ્મીમેરમાં કોરોનાના દર્દીઓ વધુ આવી રહ્યાં છે. જેથી આ વિસ્તારોમાં મનપા દ્વારા કોરોનાના દર્દીઓને શોધવા માટે કોમ્બિંગ કરવામાં આવશે. જ્યારે વરાછા ઝોન-બીમાં RT-PCR ટેસ્ટ વધુ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. વરાછા ઝોન(એ/બી) અને કતારગામ ઝોનમાં રોજના ૫૦૦૦ સુધી ટેસ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાંદેર ઝોન વધુ કેસ આવી રહ્યાં હોવાથી આ ઝોનમાં પણ રોજના ૧૫૦૦ સુધી RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. જ્યારે વરાછા ઝોન (એ-બી) તેમજ કતારગામમાં પણ રોજના ૧૦૦૦ સુધી RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.
ઉધના ઝોનમાં રોજેરોજ ૫૦૦૦ રેપિડ ટેસ્ટ તેમજ ૧૦૦૦ RT-PCR ટેસ્ટ કરાશે. હોમ આઈસોલેશનમાં જે દર્દી રહ્યાં છે તેમની સ્થિતિ જોઈને જો તેમને હોસ્પિ.માં રિફર કરવામાં આવે અને જો તેઓ નહીં જાય તો તેમને પોલીસની મદદથી હોસ્પિ.માં દાખલ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત અઠવા ઝોનમાં ટ્રાયેજ ના કેસ સંદર્ભે UHCના ડોક્ટર દ્વારા દર્દીને ARI કેસને ટ્રીટમેન્ટ ન આપવા બદલ ખુલાસો માંગવામાં આવશે. સાથે સાથે રાંદેર ઝોનમાં ટ્રાયેજમાં કેસમાં વેલોસિટી હોસ્પિટલ દ્વારા દર્દીની વિગતની જાણ કરવામાં આવી નહીં હોવાથી તેને નોટિસ પણ આપવામાં આવશે.