હથોડા: (Hathoda) સુરતથી (Surat) મુસાફરો ભરીને ફતેપુરા જવા નીકળેલી એસટી બસનો (Bus) ચાલક પીધેલી હાલતમાં હોય, સુરતથી નીકળ્યા બાદ હાઇવે પર બેફામ બસ ચલાવતા અને કીમ (Kim) ચાર રસ્તા નજીક ટ્રક સાથે બસ અથડાવી દેવાનો પ્રયાસ કરતાં બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતાં. બસને ઉભી રખાવી તેની સામે પોલીસ કેસ કરતા પોલીસે (Police) ડ્રાઇવરને (Driver) જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
- સુરતથી ફતેપુરા જવા નીકળેલી એસટી બસના નશાબાજ ડ્રાઈવરે મુસાફરોના જીવ અદ્ધર કરી દીધાં!
- મુસાફરોનું કહેવું છે કે બસનો ડ્રાયવર બસ આડીઅવળી ચલાવી જરૂર વગર વારંવાર બ્રેક મારતો હતો
- બેફામ બસ ચલાવતાં અકસ્માત થતાં સ્હેજમાં રહી ગયો, મુસાફરો રોષે ભરાતાં એસટી અધિકારીઓએ નશાબાજ ડ્રાઈવરને પોલીસને સોંપી દીધો
- ડ્રાઈવરે દારૂ ઢીંચ્યો હોય તો એસટીની સવારી ‘અસલામત સવારી’ બની જાય
ઘટનાની વિગત એવી છે કે સુરત બસ સ્ટેશનથી મુસાફરો ભરીને gj 18 z 77 64 નંબરની એસટી બસ ફતેપુરા જવા માટે નીકળી હતી. બસમાં ડ્રાઇવર તરીકે લાલસિંહ કાળુસિંહ ઠાકોર હતો અને કંડકટર તરીકે નિતેશભાઇ રમેશભાઈ ડામોર હતાં. એસટી બસમાં ૩૭ પેસેન્જર બેઠા હતા. એસટી બસ સુરતથી નીકળીને કામરેજ આવી તે દરમિયાન બસનો ડ્રાઇવર લાલસિંહ રોડ પર ગમે તે ગમે તેમ બસ ચલાવતો હતો. બસ આડીઅવળી ચલાવી જરૂર વગર વારંવાર બ્રેક મારતો હતો.
એસટી બસ કામરેજથી હાઇવે પર મુંબઈથી અમદાવાદ જતા રોડ ઉપર કીમ ચાર રસ્તા નજીક આવતા અચાનક બ્રેક મારતાં આગળ જતી ટ્રક સાથે બસ અથડાતા રહી ગઈ હતી. જેથી બસમાં બેઠેલા મુસાફરોએ રોષે ભરાઈ કંડકટરને બસ ઉભી રાખવા જણાવેલ. કંડક્ટરે કીમ ચાર રસ્તા નજીક બસ ઉભી કરી દેવા જણાવતા ડ્રાઇવરે કંડકટર સાથે પણ બેહુદું વર્તન કર્યું હતું.
જે બાબતે કંડકટર નિતેશભાઇએ ડેપો મેનેજરને જાણ કરી બસમાં બીજો ડ્રાઇવર ફાળવી આપવા કહ્યું હતું. જેથી એસટી બસના ટ્રાફિકના સુપરવાઇઝર એમ કે પટેલ તથા ટ્રાફિક કંટ્રોલર એમવાય કાજી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દારૂ ઢીંચેલા બસના ચાલક લાલસિંહ કાળુસિંહ ઠાકોરની સામે પાલોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નશાબાજ ડ્રાઈવરની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.