સુરત: (Surat) સુરત દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન બનશે. મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન (Bullet Train) દોડશે. આ માટેના કોરિડોર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન 2017માં કરવામાં આવ્યું હતું. બાંધકામ એજન્સી નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર મુંબઈથી અમદાવાદ વચ્ચેના આ રૂટમાંથી ચાર સ્ટેશન દક્ષિણ ગુજરાતના છે. વાપી, બીલીમોરા, સુરત અને ભરૂચ આ ચાર સ્ટેશન ડિસેમ્બર 2024 સુધીમાં તૈયાર થઈ જશે. આ ચાર સ્ટેશનોમાંથી સુરત તૈયાર થનાર પ્રથમ સ્ટેશન (Surat First Station) હશે. બુધવારે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં વિપક્ષના તમામ સવાલોના જવાબ આપ્યા હતા. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેના નિરાકરણ માટે કામગીરી કરવામાં આવી રહી છે. તેવું તેમણે જણાવ્યું હતું.
રેલ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે બુલેટ ટ્રેનના દક્ષિણ ગુજરાતના ચાર સ્ટેશનો સિવાય 237 કિલોમીટર લાંબો પુલ પણ બનાવવામાં આવશે. આ એક વિશિષ્ટ પ્રકારનો પુલ છે, જેમાં એક લાંબી-ઉંચી રેલવે લાઇન કે રોડને સપોર્ટ કરનાર આર્ચજ, થાંભલા કે સ્તંભોની એક સિરીઝ હશે. પાછલા વર્ષે ડિસેમ્બરમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ હતુ કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 2026માં સૂરત અને બિલિમોરા વચ્ચે દોડશે. સુરત-બિલિમોરા વચ્ચેનું અંતર 50 કિમી છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન કોરિડોર પરિયોજનાનું ઉદ્ઘાટન 2017માં કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેનું કામ 2023 સુધી પૂરુ થવાનું લક્ષ્ય હતું. ભૂમિ અધિગ્રહણના મુદ્દા અને કોવિડને કારણે નિર્માણ કાર્યમાં વિલંબ થયો છે. 508 કિલોમીટર લાંબા કોરિડોરમાં મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, ઠાણે, વિરાર, બોઇસર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશન સામેલ થશે.
બુલેટ ટ્રેન ગુજરાતના 8 જિલ્લામાંથી પસાર થશે
NHSRCL મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિમી લાંબી ભારતની પ્રથમ હાઈ સ્પીડ રેલ લાઈન બનાવી રહી છે. 352 કિમીનો રૂટ ગુજરાતના 8 જિલ્લાઓમાંથી અને 4 કિમીનો રૂટ દાદરા અને નગર હવેલીમાંથી પસાર થશે. ગુજરાતના વલસાડમાં ચેઈનેજ 167 પર પિયર નિર્માણ અને વાપી સ્ટેશનનું કામ ચાલુ છે. નવસારીમાં ચેઇનેજ 238માં પિયર બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. NHSRCLના એક અધિકારીએ જણાવ્યું કે, “સુરત સ્ટેશનનું બાંધકામ ચેઈનેજ 264 પર શરૂ થઈ ગયું છે. ભરૂચ જિલ્લામાં 358 થી 360 સાંકળો વચ્ચે પાઇલ, પાઇલ કેપ અને થાંભલા બનાવવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે વડોદરા જિલ્લામાં 410 થી 417 સાંકળો વચ્ચે પાઇલ, પાઇલ કેપ અને પિલર બનાવવાની કામગીરી ચાલી રહી છે. અમદાવાદ જિલ્લામાં સાબરમતી ટર્મિનલ હબ બનાવવાનું કામ પણ પ્રગતિમાં છે. આ હબ મુસાફરોને હાઇ-સ્પીડ રેલ્વે સ્ટેશનોને રેલ્વે સ્ટેશન, મેટ્રો અને બસ સ્ટેશનો સાથે જોડવાની સુવિધા આપશે.