સુરત: સુરત શહેરના જાણીતા બિલ્ડર અને સી.મહેન્દ્ર ડાયમંડ પેઢીના માલિક કનુ ચંદુલાલ શાહ કલોલમાં પેઢીનામા સાથે ચેડાં કરી ખેડૂત બન્યા હોવાની ફરિયાદમાં મામલો ગરમાયો છે.
- બોગસ ખેડૂતના આરોપમાં જાણીતા બિલ્ડર કનુ શાહના કલોલ મામલતદાર સમક્ષ હાજર થતાં નથી!
- ગાંધીનગરના કલોલ તાલુકાના હાજીપુર ગામમાં સગાકાકાના વારસદારો છુપાવી કનુ શાહ ખેડૂત બની ગયા હોવાની ફરિયાદ કરાઈ છે
સુરત શહેરના જાણીતા બિલ્ડર કનુ શાહના માથે વિતેલા કેટલાંક દિવસથી ખુદ તેમના જ ભાગીદાર દ્વારા બોગસ ખેડૂત તરીકેનો આરોપ મૂકવામાં આવ્યો છે. કનુ શાહ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના હાજીપુર ગામના બ્લોક નંબર-898 ઉપર ખેડૂત તરીકે ઘૂસી ગયા છે તેવી સુરત જિલ્લા કલેકટરાયલયમાં ફરિયાદ થઇ છે. જોકે, જિલ્લા કલેકટરના કેટલાંક ફુટેલી કારતૂસ જેવા સ્ટાફે આ પ્રકરણ ઢીલુ પાડી દીધું હતું. પરંતુ ફરીવાર આ મામલો મીડિયામાં ચગતા તપાસનો ધમધમાટ શરુ થયો છે.
સુરતના કૃષિપંચ અને ગણોત શાખાના મામલતદાર તરફથી કલોલ મામલતદારને પત્ર પાઠવી કનુ શાહના ખેડૂત હોવાને લગતા કાગળો મંગાવાયા છે. કનુ શાહને આ રેફરન્સમાં કલોલ માલતદારે પણ સતત બે વખત નોટિસ પાઠવી હતી. પરંતુ આ નોટિસ પછી પણ કનુ શાહ હાજર થવાને બદલે તેમના એડવોકેટને મોકલી તારીખો માંગી રહ્યાં છે. કનુ શાહ વારસાગત ખેડૂત છે કે નહીં તે તેમની ખેડૂત ખાતેદાર નંબર સહિત જે વખતે ખેડૂત બન્યા તે વખતની નોંધના તુમાર ચકાસવામાં આવે તો ચિત્ર સ્પષ્ટ થઇ જાય તેમ છે. આગામી દિવસોમાં સુરત શહેરમાં પણ તેમણે ખોટી રીતે ખરીદેલી કે બિનખેતી કરાવી હોય તેવી જમીનો ઉપર પણ કલેકટર તપાસ કેન્દ્રીત કરે તેવા વાવડ મળ્યાં છે.