સુરત : (Surat) કાપોદ્રામાં (Kapodra) બીઆરટીએસ (BRTS) રૂટમાંથી (Route) પસાર થતી એક કારના (car) ચાલકે રત્નકલાકારને (Diamond Worker) અડફેટમાં લેતા તેનું મોત (Death) નીપજ્યું હતું, બીજી તરફ કાર ચાલક કાર મુકીને ભાગી ગયો હતો. મૃતકના જૂનમાં લગ્ન થવાના હતાં. જેની તૈયારી ચાલી રહી હતી.
- કાપોદ્રામાં BRTS રૂટ ઉપર કાર બેફામ દોડતી હતી અને યુવાન અને તેના મિત્રને અડફેટમાં લીધા હતા
- અકસ્માતમાં યુવાન હવામાં ફંગોળાયો અને બાદમાં જમીન પર પટકાતા મોત થયું, મિત્રને ઈજા
- મરનાર યુવાનના જૂન માસમાં લગ્ન થવાના હતા
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બિહારના પૂર્વ ચંપારણનો વતની અને હાલ બરોડા પ્રિસ્ટેજ ચંપકલાલની ચાલમાં રહેતો 19 વર્ષીય સુરજ સુરેશ ગીરી હાલ તેના ત્રણ મિત્રો સાથે રહેતો હતો અને વરાછામાં હીરાના કારખાનામાં કામ કરતો હતો. મૃતક સુરજ યાદવના મિત્ર આલોક યાદવે જણાવ્યું હતું કે, ઘટના શુક્રવારની મળસ્કે બની હતી. રાહુલ ગોસ્વામી અને સૂરજગીરી બન્ને મિત્રો અભિમન્યુ નામના મિત્રના ઘરે સામાન લેવા નીકળ્યા હતા. ઘરથી થોડે દૂર ચાલતા-ચાલતા જતી વેળાએ ગણેશનગર BRTS રૂટ ઉપર પસાર થતા હતા ત્યારે એક બેફામ દોડતી કારના ચાલકે તેઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સૂરજ હવામાં ફંગોળાયો હતો અને જમીન ઉપર પટકાતા મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં સૂરજના અન્ય મિત્ર રાહુલ ગોસ્વામીનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ બાદ બીજા મિત્રો પણ ભેગા થઈ ગયા હતા. સૂરજના 12મી જૂનના રોજ લગ્ન નક્કી થયા હતા અને તે લગ્નની ખરીદીની વાતો કરતો હતો. સુરજ ઘણા સમયથી લગ્નનું સ્વપ્ન જોતો હતો અને ત્યાં જ તેના લગ્નનું સ્વપ્ન રોળાઇ ગયુ હતુ. આ બાબતે પોલીસે કારચાલકની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરાભાગળ ખાતે મોડી રાત્રે કરિયાણાની બંધ દુકાનમાં શોર્ટસર્કિટથી આગ ભભૂકી
સુરત: મોરાભાગળના ઉગત કેનાલ રોડ પરના મનપાના આવાસમાં ગ્રાઉન્ડ ફલોર પર આવેલી કરિયાણાની બંધ દુકાનમાં ગુરુવારની મોડી રાત્રે શોર્ટસર્કિટથી આગ ફાટી નીકળી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલીક ફાયર વિભાગને જાણ કરી હતી. આ ઘટનામાં મોરભાગળના અધિકારી ધર્મશ પટેલ સહિતના ફાયર જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં ફાયરકર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટમાં જ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં ઇલેકટ્રિક વાયરિંગ, ફનિર્ચર, કરિયાણાના સામાનને નુકસાન થયું હતું. જોકે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી તેવું ફાયર વિભાગે જણાવ્યું હતું.