SURAT

સુરતના આ વિસ્તારમાં BRTS સ્ટેશન અચાનક ભડકે બળ્યું

સુરત: (Surat) સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં લક્ષ્મીનારાયણ બીઆરટીએસ બસ સ્ટેશનમાં (BRTS Bus Station) એકાએક જ આગ લાગી હતી. અચાનક જ આખેઆખું BRTS સ્ટેશન ભડકે બળવા માંડ્યું હતું. જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. આ આગ એટલી ભયાનક હતી કે આસપાસના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. થોડીજ વારમાં આખેઆખું બીઆરટીએસ સ્ટેશન આગની (Fire) ચપેટમાં આવી ગયું હતું. આગ એટલી વિકરાળ હતી કે ત્રણ કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. જોકે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

સુરતના ઉધના વિસ્તારના લક્ષ્મીનારાયણ બીઆરટીએસ બસ સ્ટેશનમાં આગની જાણ થતાંજ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. માન દરવાજા અને ભેસ્તાન ફાયર સ્ટેશનના જવાનો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. આગમાં બીઆરટીએસ બસ સ્ટોપમાં લગાડવામાં આવેલા સાધનો પણ સ્વાહા થઈ ગયા હતા. આગ લાગી તે સમયે કોઈપણ મુસાફર ઘટના સ્થળ ઉપર હાજર ન હતો. બસ સ્ટોપ ઉપર માત્ર સ્ટાફના લોકો જ હાજર હતા. જેઓ આગ લાગતાં જ બસ સ્ટેશનથી દૂર ચાલ્યા ગયા હતા.

Most Popular

To Top