સુરત: (Surat) સુરત મનપાના વિકાસ કાર્યોની સાથે સાથે તેમાંથી મલાઇ તારવવા માટે એનકેન પ્રકારે રસ્તા શોધી કાઢતા અમુક ખાઇ બદેલા અધિકારીઓના કારણે મનપાની સોનાની થાળીમાં ભ્રષ્ટાચાર (Corruption) રૂપી લોઠાની મેખ લાગી રહી છે ત્યારે અઢી કરોડ કરતાં પણ વધુનો ખર્ચ કરીને સુરત મહાપાલિકા દ્વારા પાર્લેપોઈન્ટ ખાતે ફ્લાય ઓવરબ્રિજની (Fly Over Bridge) નીચે બ્યુટિફિકેશન (Beautification) તેમજ મલ્ટિપર્પઝ એક્ટિવિટી ઝોન તૈયાર કરવામાં આવ્યો તેમાં લગાવાયેલી જુદી જુદી ચીજોના ભાવ એક જાગૃત એડ્વોકેટ દ્વારા આરટીઆઇ કરીને બહાર લાવવામાં આવતાં આંખો પહોળી થઇ જાય તેવો ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા ઊઠી રહી છે.
આ પ્રોજેકટ માટે અપાયેલા ઇજારાને જોતા એક એવી વાત પણ સામે આવી રહી છે કે મોટા ભાગે મનપા દ્વારા કોઇ પણ પ્રોજેકટમાં સિવિલ વર્ક અને ઇલેકટ્રિક વર્ક માટે તેની લાયકાત ધરાવતી અલગ અલગ એજન્સીઓને અલગ અલગ ટેન્ડરથી કામ અપાય છે. પરંતુ આ પ્રોજેકટમાં તમામ કામો એક સાથે રાખીને ટેન્ડર ઇસ્યુ કરાયા હતા તેથી એક જ એજન્સી રેઇમ્બો ઇન્ફ્રાસ્ટ્રચરને આ આ કામ આપી દેવાયું હતું. આ એજન્સીને ઈલેકટ્રિક વર્કનો અનુભવ છે કે નહી તે બાબતને આખ ટેન્ડરની આડમાં નજર અંદાજ કરી દેવામાં આવી હોવાની શંકા છે.
ખરેખર તો આ પ્રોજેકટમાં પણ ઇલેક્ટ્રીક વર્ક માટે જે રીતે બ્રિજ અને અન્ય પ્રોજેકટમાં ઇલેટ્રિક વર્ક અને સિવિલ વર્કમાં અલગ અલગ ટેન્ડર બહાર પાડીને જે તે કામની અનુભવી એજન્સીઓ વચ્ચે સ્પર્ધા કરાવી મનપાનું હીત જોવાય છે તે આ કામમાં જોવાયું નથી. અને ખરેખર વ્યાજબી ભાવે કામ કરી શકે તેવી ઇલેક્ટ્રીક કામનો અનુભવ ધરાવતી એજન્સી સ્પર્ધામાં આવી જ નહી કેમકે આખુ ટેન્ડર સિવિલ વર્ક સાથે હતું. અધિકારીઓની મહેરબાની કે બેદરકારી વચ્ચે સરવાળે એવી કામ થયું કે જે ફીટીંગ્સ બજાર ભાવ કરતા બમણા-ત્રણ ગણા ભાવે લગાવાયા તેમાં ગુણવતા પણ હલકી નિકળી અને આજે ઘણી લાઇટો બંધ પડી ચુકી છે અને પ્રજાના કરવેરાના લાખો રૂપીયા પાણીમાં ગયા છે.
આરએસીની ભુમિકા પણ શંકાસ્પદ
કોઇ પણ પ્રોજકેટમાં ટેન્ડરરે ભરેલા ભાવોને વાસ્તવિકતા સાથે સરખાવી તેની યોગ્યતા બાબતે મનપા કમિશનરનું ધ્યાન દોરવા માટે રેઇટ એનાલીસિસ કમિટી (આરએસી) બનાવવામાં આવી છે. પાર્લેપોઇન્ટ બ્યુટિફિકેશનના અઢી કરોડથી વધુના પ્રોજેકટમાં આરએસીના અધિકારીઓની ધુતરાષ્ટ્ર દ્રષ્ટી પણ શંકાના દાયરામાં છે. આ ટેન્ડર તેમની નજર નીચેથી પસાર થયું ત્યારે એક યા બીજા કારણોસર તથ્યો બાબતે મનપા કમિશનરનું ધ્યાન દોરાયું નથી. અને વર્ષ 2015-16ના (સીડયુલ ઓફ રેઇટ)એસઓઆર સાથે ભાવો સરખાવ્યાનો ઉલ્લેખ ટેન્ડરમાં છે પરંતુ આ બ્યુટિફિકેશનમાં જે લાઇટો ફિટ કરાઇ તેનો સમાવેશ તો એસઓઆરમાં છે જ નહી.